સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ફરી કરોડો રૂપિયાનું ચરસ કબજે, સૂત્રાપાડાના ધામળેજમાં અફઘાની પેકિંગવાળા 9 પેકેટ મળ્યાં
Drugs Found In Gir Somnath: સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી માદક પદાર્થોનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત્ છે. આ દરમિયાન ગીર સોમનાથી જિલ્લાના સૂત્રાપાડાના ધામળેજ ગામના દરિયાકાંઠેથી 5.30 કરોડ રૂપિયાની કિંમતના ચરસનો બિનવારસી જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ સૂત્રાપાડા પોલીસ મથકમાં અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અફઘાનિસ્તાનના પેકિંગવાળા ચરસના નવ પેકેટ કબજે
મળતી માહિતી અનુસાર, સૂત્રાપાડાના ધામળેજ ગામે દરિયા કિનારે બિનવારસી હાલતમાં નવ પેકેટ પડ્યાં હોવાની માહિતી મળતાં એસઓજીની ટીમ ઘટના સ્થળ પહોંચી હતી. આ પેકેટનું એફએસએલ અધિકારી પાસે પરિક્ષણ કરાવતાં ચરસ હોવાનો સામે આવ્યું હતું. જે કુલ 10.600 કિલોગ્રામ ચરસનો જથ્થો હતો. તેની આંતરરાષ્ટ્રિય બજાર કિંમત 5.30 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે, ચરસનો આ જથ્થો દરિયામાંથી તરીને કિનારે પહોંચ્યો હતો. ચરસ ઉપર અફઘાનિસ્તાનનું પેકિંગ છે. આ ચરસનો જથ્થો ખરેખર દરિયા કિનારે કઈ રીતે પહોંચ્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 33 માળ સુધીના બિલ્ડિંગ સુધી પહોંચી શકાશે , અમદાવાદ ફાયર વિભાગ માટે 70 કરોડના વાહનો ખરીદાશે
ગીર સોમનાથ જિલ્લામાં અઢી વર્ષમાં 380 કરોડનું ડ્રગ્સ પકડાયું
સૌરાષ્ટ્રના દરિયા કિનારે કરોડો રૂપિયાના ડ્રગ્સ મળવાનો સિલસિલો ચાલુ રહેતાં ચર્ચા જાગી છે. માત્ર ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા અઢી વર્ષ દરમિયાન 380 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. છેલ્લા અઢી વર્ષ દરમિયાન માદક પદાર્થોનાં કુલ 19 કેસ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 380 કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ પકડાયું છે, તેમાંથી એકજ કેસમાં 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળ્યું હતું. અત્યાર સુધીમાં અંદાજે 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ બિનવારસી હાલતમાં પકડાયું છે.