સ્કૂલના કૌભાંડો, ગેરરીતિ ખુલ્લી પડી જતાં ભાજપના નેતાએ સોપારી આપી, સ્કૂલ વાનમાં ડ્રગ્સ મૂકાવી ચાલકને ફસાવ્યો
Drugs Case conspiracy of General Secretary of BJP Laghumati Morcha: ભરૂચ નજીક આવેલા રહાડપોર ગામે એક સ્કૂલવાનમાંથી ઝડપાયેલા ડ્રગ્સના કેસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સ્કૂલવાન ચાલક ગામના કૌભાંડો અંગે RTI કરી માહિતી માંગતા ગામના સરપંચના પતિ તેમજ ભાજપ લઘુમતી મોરચાના મહા મંત્રીએ સ્કૂલવાનમાં રૂ.4 લાખની સોપારી આપી ડ્રગ્સ મૂકાવી ચાલકને ફસાવ્યો હોવાની વિગતો જાણવા મળતાં આખરે પોલીસે સરપંચના પતિ, વડોદરાના ડ્રગ્સ સપ્લાયર સહિત ત્રણની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ નજીક આવેલા રહાડપોર ગામે સ્કૂલવાન ચાલક પ્રકાશ અંબાલાલ પટેલની ગાડીમાં 62 ગ્રામ એમડી ડ્રગ્સ તથા 5-5 ગ્રામની ડ્રગ્સ પેક કરવાની થેલી અને વજનકાંટો સહિતનો મુદ્દામાલ એસઓજી પોલીસે કબજે કરી સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતાં. આ દરમિયાન સ્કૂલવાન ચાલક પ્રકાશ પટેલ એમડી ડ્રગ્સનો વેપાર કરતો હોય અથવા તો ડ્રગ્સ કોની પાસેથી લાવતો હોય તેવા કોઈ પુરાવા મળ્યા ન હતાં. તો પ્રકાશ પટેલે ગામના સરપંચે ફસાવ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી.
ચાર લાખમાં સોપારી આપી કાવતરૂં ઘડ્યું
રહાડપોર ગામના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ તેમજ ભરૂચ ભાજપ લઘુમતી મોરચાના મહા મંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલને પોલીસે બોલાવી કડક પૂછપરછ અને તેના મોબાઈલની સીડીઆર સહિત ઝીણવટભરી તપાસ કરવામાં આવતા આખરે તેઓ ભાંગી પડ્યા હતા. પછી તેમણે પ્રકાશ પટેલની ગાડીમાં ડ્રગ્સ સહિતની સામગ્રી મૂકવા માટે છેલ્લા બે મહિનાથી કાવતરું ઘડ્યાની કબૂલાત કરી હતી. સ્કૂલવાનમાં સામગ્રી મૂકવા માટે રહાડપોર ગામના આશિયાના પાર્કમાં રહેતા અહેમદખાન ઉર્ફે શાહરુખ સોકતખાન પઠાણને ચાર લાખ રૂપિયા આપવાનું નક્કી કરી 3.50 લાખ રૂપિયા ડ્રગ્સ સહિતની સામગ્રી મૂકવા માટે આપ્યા હતાં તેવી વિગતો બહાર આવતાં પોલીસે સ્કૂલવાનમાં ડ્રગ્સ મૂકનાર અહેમદખાન ઉર્ફે શાહરુખ સોકતખાન પઠાણની ઘરપકડ કરતા તે ડ્રગ્સનો જથ્થો વડોદરાના હાથીખાના વિસ્તારમાં પટેલ ફળિયાના રહીશ આફતાબ ઉર્ફે અપ્પુ સિકંન્દર શેખ પાસેથી ખરીદ્યું હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.
ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હોવાથી સસ્પેન્ડ કરીશું: ભાજપ
ભરૂચ તાલુકાના રહાડપોર ગામના હાલના મહિલા સરપંચના પતિ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ તેમજ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ગુલામ ફરીદ અબ્દુલ્લા પટેલની એમડી ડ્રગ્સ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે તેમ ટેલિફોનિક વાતચીતમાં ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ કહ્યું હતું. બીજી તરફ જિલ્લા પ્રમુખની સહી વાળો લઘુમતી મોરચામાં નિમણૂકનો પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.