ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનાર બાબર પઠાણનો ડ્રગ્સ પાર્ટીનો વીડિયો વાઈરલ, પોલીસ કેસ કરશે ખરી?
Tapan Parmar Murder Case : વડોદરા શહેરમાં સરકસની જેમ કરતબ કરી વાહન ચલાવનારાના વીડિયો વાઈરલ થાય છે કે તુરંત પોલીસ એક્શનમાં આવીને તેઓ સામે પોલીસ કેસ કરી વાહનચાલકો સામે કાર્યવાહી કરતી હોય છે. ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાના મુખ્ય આરોપી બાબરખાન પઠાણ અને તેના મિત્રો નશીલા પદાર્થની "ડ્રગ્સ પાર્ટી" કરી રહ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો સાચો હોય તો હવે પોલીસ તંત્ર આ સામે શું કાર્યવાહી કરશે તે જોવાનું રહે છે.
નાગરવાડા વિસ્તારમાં દારૂ જુગાર ઉપરાંત ડ્રગ્સનો ગેરકાયદે વેપલો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. તેમાં તાજેતરમાં જુગારના અડ્ડા પરથી શરૂ થયેલી મારામારી આમલેટની લારી સુધી પહોંચી અને જૂથ અથડામણ થયા બાદ સયાજી હોસ્પિટલમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમાર પર બાબરખાન પઠાણે પોલીસની હાજરીમાં હુમલો કરી મોત નિપજાવ્યું હતું.
આ પણ વાંચો: તપન પરમાર હત્યા કેસ: વડોદરા CP એ કારેલીબાગના PI, PSI સહિત 17 કર્મીઓની કરી બદલી
વડોદરામાં નશીલા પદાર્થોનો વેપલો કરનારા છૂટક ધંધો કરનારા વચ્ચેની હરીફાઈ અને પોલીસના આશીર્વાદને કારણે નામચીનોને છૂટો દોર મળી રહ્યો છે. બાબર ખાન પઠાણ સામે અનેક ગુના નોંધાયા છે, જેમાં ખંડણી, લૂંટ, ધાક ધમકી અને મારામારી જેવા ગુના બાદ હવે તેની સામે ખૂનનો ગુનો પણ દાખલ થયો છે. ત્યારે બાબરખાન પઠાણ અને તેના સાગરીતો સાથે મળી ડ્રગ્સની પાર્ટી કરતા હોય તેવો વીડિયો વાઈરલ થયો છે.
જે વીડિયો વાઈરલ થયો છે તેમાં બાબર પઠાણ ડ્રગ્સ લેતા દેખાય છે, જ્યારે તેના સાગરીતો કોઈ દેખાતા નથી. પરંતુ એક વીડિયોમાં ચેતન બાવાના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ ડ્રગ્સ નાક દ્વારા ખેંચતા બાબર ખાન પઠાણ દેખાઈ રહ્યો છે. આ ડ્રગ્સ પાર્ટી ક્યાં અને ક્યારે થઈ અને હવે તપન પરમારની હત્યા બાદ વીડિયો વાઈરલ થયો છે તેની પોલીસ તપાસ કરશે કે કેમ તે જોવાનું રહે છે.
વડોદરા પોલીસ વીડિયોના આધારે વાહન ચલાવનારા સરકસની જેમ કરનારાઓ સામે પોલીસ કેસ દાખલ કરતા હોય છે. તો આ વીડિયો સાચો હોય અને તેમાં દેખાતો શખ્સ બાબર ખાન પઠાણ હોય તો તેની સાથે ચેતન બાવા ઉપરાંત કયા સાગરીતો છે તેની શોધ કરી પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે અંગે ચર્ચાનો વિષય બન્યો છે.