Get The App

સુરતમાં ફરી ડ્રગ્સની રેલમછેલ : રૂ.1.53 કરોડના MD ડ્રગ્સ સાથે પાંચ ઝડપાયા

હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસે ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન : વેડરોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો

બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સ-બાઈક મૂકી ખેતરમાં ભાગ્યા : છ કલાક પકડદાવ પકડાયા

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
સુરતમાં ફરી ડ્રગ્સની રેલમછેલ : રૂ.1.53 કરોડના MD ડ્રગ્સ સાથે પાંચ ઝડપાયા 1 - image


સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના બે છેવાડાના વિસ્તાર હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસેથી દોઢ કિલોથી વધુ એમ.ડી.ડ્રગ્સ સાથે પાંચ યુવાનોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.1.53 કરોડનું એમ.ડી.ડ્રગ્સ, કાર, બાઈક, પાંચ મોબાઈલ ફોન, રોકડ મળી કુલ રૂ.1.57 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તે પૈકી બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સનો જથ્થો અને બાઈક મૂકી શેરડીના ખેતરોમાં ભાગી જતા ક્રાઈમ બ્રાન્ચે છ કલાક કોમ્બીંગ કરી ઝડપી લીધા હતા.જયારે વેડરોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગતરાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે હજીરા સાયણ રોડ ઉપર બાઈક ઉપર આવતા બે યુવાનો પોલીસને જોઈ બાઈક અને રૂ.97,37,400 ની મત્તાનું 973.740 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મૂકી શેરડીના ખેતરોમાં ભાગી ગયા હતા.ક્રાઈમ બ્રાન્ચે એફએસએલને સ્થળ ઉપર બોલાવી જરૂરી પરીક્ષણ કરતા તે એમ.ડી.ડ્રગ્સ હોવાનું સ્પષ્ટ થયા બાદ ભાગી ગયેલા બંને યુવાનોને શોધવા કોમ્બીંગ હાથ ધર્યું હતું.ક્રાઈમ બ્રાન્ચે છ કલાકની મહેનત બાદ કોસંબાના બે યુવાન તામીર શેખ અને સાહીલ દિવાનને ઝડપી પાડી તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત બાઈક, બે મોબાઈલ ફોન અને રોકડા રૂ.2 હજાર મળી કુલ રૂ.97,99,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.છત રીપેરીંગનું કામ કરતા અને અગાઉ મારામારી, મોબાઈલ સ્નેચીંગ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા તામીર શેખ અને કોસંબામાં બુટ ચંપલની દુકાનમાં નોકરી કરતા સાહીલ દિવાનની ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ હાથ ધરી તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે તપાસ હાથ ધરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરી દરમિયાન જ વધુ એક બાતમી મળી હતી કે વેડરોડ સાબરીનગરમાં રહેતો અને વરીયાવી બજાર મેઈન રોડ ઉપર છેલ્લા આઠ વર્ષથી મી.કોકોના નામે રેડીમેઈડ કપડાંની દુકાન ચલાવતો ધો.10 પાસ મોહમદ તૌસીફ ઉર્ફે તૌસીફ કોકો તેના મિત્રો ઈરફાન પઠાણ અને અસ્ફાક કુરેશી સાથે મુંબઈથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો લઈ કાર ( નં.જીજે-01-સીવી-2370 ) માં નવસારી થઈ સુરતમાં આવે છે.આથી મળસ્કે 3.30 વાગ્યાના અરસામાં ક્રાઈમ બ્રાન્ચે સચીન ક્પલેથા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી કારને અટકાવી રૂ.55,48,200 ની મત્તાના 554.82 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ત્રણેયને ઝડપી પાડી તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત કાર, રોકડા રૂ.53,750, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.58,71,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ મુંબઈના નાલાસોપારા ખાતે એક અજાણ્યા પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા અને સુરતમાં વેચવા આપવાના હતા.

તૌસીફ સાથે ઝડપાયેલા બે મિત્રો પૈકી ઈરફાનખાન પઠાણ બી.કોમ કર્યા બાદ હાલ એમબીએમાં અભ્યાસ કરે છે અને વીઆઈ કંપનીમાં છેલ્લા બે વર્ષથી દક્ષિણ ગુજરાતમાં ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે નોકરી કરે છે.જયારે અસ્ફાક કુરેશી ધો.8 સુધી અભ્યાસ કર્યા બાદ દોઢ વર્ષથી ફેશન બકેટના નામે શુઝ, ઘડીયાળ વિગેરેનું ઓનલાઈન વેચાણ કરે છે.ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા અંગે બે અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં ફરી ડ્રગ્સની રેલમછેલ : રૂ.1.53 કરોડના MD ડ્રગ્સ સાથે પાંચ ઝડપાયા 2 - image

હજીરા સાયણ રોડ ઉપરથી આ લોકો પકડાયા

(1) તામીર અબ્દુલ કયુમ શેખ ( ઉ.વ.20, રહે.કોસંબા, સુરત )
(2) સાહીલ અલ્લા ગુલામ મહંમદ દિવાન ( ઉ.વ.19, રહે.કોસંબા, સુરત )

ક્પલેથા ચેક પોસ્ટ ઉપરથી આ લોકો પકડાયા

(1) ઈરફાનખાન મોહમદખાન પઠાણ ( ઉ.વ.32, રહે.ઘર નં.12/2197, છોટા એન્ડ્રુસ, વરીયાવી બજાર પોલીસ ચોકી પાસે, સૈયદપુરા, સુરત )
(2) મોહમદ તૌસીફ ઉર્ફે તૌસીફ કોકો મોહમદ રફીક શા ( ઉ.વ.34, રહે.ઘર નં.સી/70/3, સાબરીનગર, ભરીમાતા રોડ, વેડરોડ, સુરત )
(3) અસ્ફાક ઈર્શાદ કુરેશી ( ઉ.વ.18, રહે.ઘર નં.302, ખતીજા એપાર્ટમેન્ટ, ફીસલ્લી મસ્જીદ પાછળ, ખ્વાજાદાનાની દરગાહ પાસે, અઠવા, સુરત )


Google NewsGoogle News