વડોદરામાં લાલબાગ બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરાતા વાહન ચાલકો હેરાન : ટ્રાફિક જામ
Vadodara : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારને જોડતા લાલબાગ ઓવર બ્રિજનો એક તરફનો ભાગ અચાનક બંધ કરાતા વાહન ચાલકો અટવાયા હતા.
ઉલ્લેખનીય છે કે શહેરમાંથી દક્ષિણ વિસ્તારમાં માંજલપુર તરફ જતો ધોરી નસ સમાન બનેલ લાલબાગ ઓવરબ્રિજનો એક તરફનો રોડ રસ્તો અચાનક બંધ કરાયો છે. આ અંગે જ્યારે ચાલક પોતાનું વાહન લઈને બ્રિજ તરફ પહોંચે છે ત્યારે જ તેમને જાણ થાય છે કે બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરવામાં આવ્યો છે. પરિણામે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વાહનચાલકોને રાજમહેલ રોડ તરફથી લાલબાગ ઓવર બ્રિજ પર જતા રેલવે કોલેજ તરફ ડાઈવર્ટ કરાયા છે. પરિણામે માંજલપુર જવામાં તમામ પ્રકારના વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ડાયવર્ટવાળા રસ્તે બ્રિજ પરથી ઉતર્યા બાદ જમણી તરફ ટર્ન થઈને માંજલપુર મકરપુરા તરફ જઈ શકે છે. આમ લાલબાગ બ્રિજનો એક તરફનો ભાગ કોઈપણ જાતની જાહેરાત વિના અચાનક બંધ કરી દેવાતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.