Get The App

છાણીમાં 4 વર્ષના બાળકને કચડી નાંખનાર ડોર ટુ ડોર કચરાનો ડ્રાઇવર પકડાયોઃ લાયસન્સ પણ નથી

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
છાણીમાં 4 વર્ષના બાળકને કચડી નાંખનાર ડોર ટુ ડોર કચરાનો ડ્રાઇવર પકડાયોઃ લાયસન્સ પણ નથી 1 - image

વડોદરાઃ છાણી વિસ્તારમાં ઘર પાસે રમતા બાળકને કચડી નાંખનાર કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવરની છાણી પોલીસે ધરપકડ કરી છે.પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટરના ડ્રાઇવર પાસે લાયસન્સ પણ નહિ હોવાની વિગતો ખૂલી છે.

છાણી કેનાલ રોડ પર અભય નગર સોસાયટીમાં ત્રણ દિવસ પહેલાં બનેલા  બનાવને પગલે લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી.આ સ્થળે રહેતા યોગેશભાઇ ગોલાણીયા કડિયા કામ માટે ગયા હતા અને તેમનો ચાર વર્ષનો પુત્ર ઘર પાસે રમતો હતો ત્યારે સવારે દસેક વાગે ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરતી ગાડીના ડ્રાઇવરે વાહન રિવર્સમાં લેતાં અડફેટમાં આવેલા બાળકનું મોત નીપજ્યું હતું.

બાળકને જ્યારે સોસાયટીના રહીશો હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે ગાડીનો ડ્રાઇવર પણ તેઓની સાથે  હોસ્પિટલ સુધી ગયો હતો.પરંતુ, ડોક્ટરે બાળકનું મોત થયું હોવાનું જણાવતાં તે સ્થળ પરથી ભાગી ગયો હતો.બનાવ અંગે છાણી  પોલીસના પીઆઇ એપી ગઢવી એ ગુનો નોંધી ડ્રાઇવરને શોધવા માટે બે ટીમો બનાવી હતી.

આખરે પોલીસની ધોંસ વધતાં સગા સબંધીઓને ત્યાં આશરો લેતો ડ્રાઇવર દશરથ લલ્લુભાઇ બિલવાળ(મહાકાળી મંદિર પાસે,વુડાના મકાન,ખોડિયાર નગર)ખુદ પોલીસ સ્ટેશને  હાજર થઇ જતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ તપાસમાં બેદરકાર ડ્રાઇવર ત્રણ વર્ષથી કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતો હોવાની વિગતો ખૂલી છે.


Google NewsGoogle News