Get The App

કપડવંજમાં બંધક બનાવ્યા બાદ ડ્રાઈવરની હત્યા કરી કન્ટેનરમાંથી રૂ.2.85 લાખની લૂંટ

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
કપડવંજમાં બંધક બનાવ્યા બાદ ડ્રાઈવરની હત્યા કરી કન્ટેનરમાંથી રૂ.2.85 લાખની લૂંટ 1 - image


- લાડવેલ-પાખિયા રોડ પર મલકાણા નજીક હોટલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનરમાંથી લાશ મળી

- ખાનગી કંપનીના પંખાના ૨૪ બોક્સની લૂંટ ચલાવી હત્યારો ફરાર : લૂંટારુંનું પગેરૂ મેળવવા પોલીસની સાત ટીમ કામે લાગી : ગળું દબાવી હત્યા કરી હોવાનું અનુમાન

- હાથ-પગ બાંધી, મોઢાના ભાગે ઈજા પહોંચાડેલી હાલતમાં મૃતદેહ મળ્યો

કપડવંજ: કપડવંજ તાલુકાના લાડવેલ-પાખિયા રોડ પર મલકાણા ગામ પાસે આવેલી એક હોટલના પાર્કિંગમાં ઉભા રહેલા ટ્રકમાંથી એક આધેડના હાથ-પગ બાંધી, મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચેલી, હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. તેમજ ટ્રકમાંથી રૂ.૨.૮૫ લાખની કિંમતના પંખાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. તેમજ સ્થાનિક પોલીસ ઉપરાંત ડીએસપી, ડીવાયએસપી, એફએસએલ, ડોગ સ્ક્વોડ, એલસીબી સહિત કુલ સાત ટીમોએ લૂંટ કરી હત્યા કરનારા શખ્સનું પગેરૂં મેળવવા તપાસ હાથ ધરી છે. 

કપડવંજ તાલુકાના લાડવેલ-પાખિયા રોડ પર મલકાણા ગામ નજીક આવેલી મહાકાળી દાળબાટી હોટલના પાર્કિંગમાં ગત બુધવારે હરિયાણાની પાસિંગનું એક કન્ટેનર પડયું હતું. જેમાં તપાસ કરતા એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતા રાજુ મેઘાજી લખાનાએ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, મૃતકનું નામ દેવેન્દ્રસીંગ ઉર્ફે કાલા નિરંજનસીંગ (ઉં.વ. ૬૫, રહે. સંજયગાંધી ટ્રાન્સપોર્ટ- દિલ્હી) હતું. તે કન્ટેનર ટ્રકમાં ખાનગી કંપનીના પંખા ભરીને જઈ રહ્યો હતો. દરમિયાન કપડવંજના મલકાણા ગામ નજીક મહાકાળી હોટલના પાર્કિંગમાં બુધવારની મોડી રાત્રે ટ્રક ઉભી રાખી હતી. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ટ્રકમાં રહેલા પંખાની લૂંટના ઈરાદે મોડી રાત્રે સવા બે વાગ્યાથી બપોરે અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન ડ્રાઈવર સીટની પાછળના ભાગે દેવેન્દ્રસીંગના બંને હાથ-પગ બાંધી દઈને મોઢાના ભાગે હોઠ ઉપર ગંભીર ઈજાઓ કરીને મોત નિપજાવ્યું હતું. તેમજ ટ્રકમાં રહેલા રૂ.૨,૮૫,૧૨૦ની કિંમતના પંખાના ૨૪ બોક્સની લૂંટ કરી નાસી છુટયો હતો. આ બનાવની જાણ થતાં કપડવંજ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સ સામે લૂંટ અને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. તેમજ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથક, ડીએસપી, ડીવાયએસપી, એફએસએલ, ડોગ સ્ક્વોડ, એલસીબી સહિત કુલ સાત ટીમોએ લૂંટ કરી હત્યા કરનારા શખ્સનું પગેરૂં મેળવવા તપાસ હાથ ધરી છે. 

આધેડનું ગળું દબાવીને હત્યા નીપજાવી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે, એફએસએલના રિપોર્ટ બાદ જ મોતનું કારણ જાણવા મળશે. 

કપડવંજના ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય રોડ પરની હોટલના કમ્પાઉન્ડમાં ટ્રકમાંથી હત્યા કરેલી આધેડની લાશ મળી આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. 

પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા હોવાના આક્ષેપ ઉઠયાં છે.  


Google NewsGoogle News