કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી
- પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો
રાજકોટ : ન્યારી ડેમ પાસે આઠેક દિવસ પહેલા કાર હડફેટે ઘવાયેલા પરાગ ગોહેલ (ઉ.વ. ૧૮, રહે. ૫૦ વારીયા, મોટામવા)નું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ તપાસ સામે સવાલ ઉઠાવતી આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જેને લઇ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. બીજી ભેદ આ બનાવમાં કાર ચાલક બદલી દેવાયાનો પણ આક્ષેપ કરાતા તાલુકા પોલીસે તપાસ કરી કાર ચાલક તરીકે રજુ કરાયેલા પ્રવિણસિંહ બચુભા જાડેજા (ઉ.વ. ૫૫, રહે. વિષ્ણુ વિહાર, યુનિ. રોડ)ની ધરપકડ કરવા ઉપરાંત અકસ્માત સમયે કાર ચલાવનાર ૧૫ વર્ષના તરૂણ સામે પણ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પીએસઆઇ સામે પણ ઇન્કવાયરી શરૂ કરાઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
પોલીસની તપાસ સામે સવાલો ઊભી કરતી ઘટનામાં ઁજીૈં સામે પણ ઇન્કવાયરીઃ અંતે મૃતદેહ સ્વીકારાયો
પ્રાપ્ત માહિતી મુજબ, આઠેક દિવસ પહેલાના અકસ્માતમાં ઘાયલ પરાગ ગોહેલને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ ગઇકાલે તેનું મૃત્યુ નિપજ્યું હતું. જે-તે સમયે અકસ્માત અંગે ક્રિશ મેર નામના ૨૦ વર્ષીય યુવકે નોંધાવેલી ફરિયાદમાં પ્રવિણસિંહ જાડેજા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બાદ ક્રિશે ગૃહરાજ્ય મંત્રી, સીપી વગેરેને એક અરજી આપી એવો આક્ષેપ કર્યો હતો કે, અકસ્માત સર્જનાર નબીરાને બચાવી લેવા ખોટા ડ્રાઇવર સામે કાર્યવાહી શરૂ કરાઇ છે.
તેણે અરજીમાં જણાવ્યું હતું કે, અકસ્માત બાદ તે સ્થળ પર પહોંચતા કારમાંથી ત્રણ વ્યકિત ઉતર્યા હતા. ડ્રાઇવર સાઇડના દરવાજેથી એક છોકરો નિકળ્યો હતો. જે પાછળની સીટ ઉપર બેસી ગયો હતો અને પાછળની સીટ ઉપર બેસેલા આધેડ વયનો શખ્સ ડ્રાઇવીંગ સીટ ઉપર બેસી ગયો હતો. જે તે સમયે તાલુકા પોલીસ મથકમાં કહેવાતો કાર ડ્રાઇવર પ્રવિણસિંહ હાજર થઇ ગયો હતો. તે સમયે તેણે પોલીસને પ્રવિણસિંહ ગાડી ચલાવતા ન હોવાનું અને ડ્રાઇવિંગ સીટ પર લાંબો સરખો છોકરો બેઠો હોવાની વાત કરી હતી. પરંતુ પીએસઆઇ એસ.પી. ચૌહાણે આ વાત માની ન હતી. બીજી તરફ મૃતક યુવાન પરાગ ગોહેલના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા દોડધામ મચી ગઇ હતી. તાલુકા પોલીસે તપાસ શરૂ કરી આ મામલે કહેવાતા કાર ચાલક પ્રવિણસિંહની ધરપકડ કરી અકસ્માત સમયે કાર ચલાવનાર ૧૫ વર્ષના તરૂણ સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પીએસઆઇ એસ.પી. ચૌહાણ સામે પણ ઇન્કવાયરી શરૂ કરાઇ છે. બીજી તરફ આરોપીની અટકાયત બાદ પરિવારજનોએ અંતે મૃતદેહ સ્વીકારી લીધો હતો.