બ્લેક ફિલ્મનો મેમો આપતાં જ કારચાલક અને તેના મિત્રનું ફટક્યું,થાય તે કરીલો..પોલીસ પર આક્ષેપો કરી વીડિયો ઉતાર્યો
વડોદરાઃ કારેલીબાગના એલએન્ડટી સર્કલ પાસે મેમો આપવાના મુદ્દે કારમાં સવાર બે યુવકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થતાં બંને યુવકો સામે ગુનો નોંધાયો છે.
એલએન્ડટી સર્કલ પાસે ગઇકાલે સાંજે ફરજ બજાવતા ટ્રાફિકના એએસઆઇ ભરતભાઇ શીવાભાઇએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે,ગઇકાલે હું ફરજ પર હતો ત્યારે અમિતનગર બ્રિજતરફથી આવી રહેલી કારને રોકી કાર ચાલક પાસે લાયસન્સ માંગતાં તેની પાસે બેઠેલા યુવકે મોબાઇલમાં લાયસન્સ બતાવ્યું હતું.
ત્યારબાદ કારની ડાર્ક ફિલ્મ અને સીટ બેલ્ટ બાબતે મેમો આપી સમાધાન શુલ્ક વસૂલવા માટે કહેતાં કાર ચાલકે ગમે તેમ બોલી કારની ચાવી કાઢીને આગળ મૂકી દીધી હતી અને થાય તે કરી લો તેમ કહ્યું હતું.
પોલીસ કર્મીએ કહ્યું છે કે,આ વખતે કારચાલકની સાથે બેઠેલા મિત્રએ ગમે તેવા આક્ષેપો કરી વીડિયો ઉતારવા માંડયો હતો. જેથી પોલીસની વાન બોલાવી બંનેને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા.જ્યાં પૂછપરછ દરમિયાન કાર ચાલકનું નામ દર્શ હસમુખભાઇ ટેલર અને તેના મિત્રનું નામ ચેતન સુરેશભાઇ સાવંતે(બંને રહે.નારાયણ નગર સોસાયટી,વાઘોડિયારોડ) સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી.