શેરડીની આડમાં દારૂ-બિયર ભરેલાં ટ્રક સાથે ડ્રાઈવર-કલિનર ઝડપાયા
- કોબડી ટોલનાકા નજીક એલસીબીએ બાતમીના આધારે ટ્રક ઝડપી પાડયો
- બન્નેએ પહેલાં ટ્રકમાં શેરડી હોવાનું કહી ચિઠ્ઠી પણ દેખાડી, પોલીસે તાલપત્રી ઉંચી કરી તો દારૂની 357 બોટલ તથા બિયરના 240 ટીન મળ્યાં
ભાવનગર : ભાવનગર- સોમનાથ નેશનલ હાઈ-વે પર બુધેલ પાસે આવેલાં કોબડી ટોલ નાકા નજીકથી ભાવનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શેરડીની આડમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરી ભાવનગર થઈ મહુવા તરફ જઈ રહેલા ટ્રક સાથે ડ્રાઈવલ્કલિનરનેે ઝડપીરૂ.૭.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે, આ જથ્થો મંગાવનાર મહુવાના બે બુટલેગરો સહિત ચારેય વિરૂદ્ધ વરતેજ પોલીસમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, ભાવનગર, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભાવનગર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, મહુવાના વતની મનોજગીરી ભુપતગીરી ગૌસ્વામી તથા પ્રભાત ભોળાભાઇ ચૌહાણ ટ્રક નંબર-જીજે-૦૪-એક્સ ૫૯૯૩ માં બહારનાં રાજયમાંથી શેરડીની આડમાં દારૂનો જથ્થો ભરેલ ટ્રક લઇને કોબડી ટોલનાકા પસાર કરી મહુવા તરફ જવાનાં છે.જે બાતમી આધારે એલસીબીએ ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર કોબડી ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાનમાં, ભાવનગર તરફ આવી રહેલા ઉક્ત ટ્રકને શંકાના આધારે એલસીબી ટીમે ઉભો રાખ્યો હતો. અને ટ્રક ડ્રાઈવર મનોજગીરી તથા કલિનર પ્રભાત ચૌહાણને ટ્રકોમાંથી ઉતારી ટ્રકમાં ભરેલાં મુદ્દામાલ અંગે પૂછપરછ કરતાં બન્નેએ તેમાં શેરડી ભરી હોવાનું જણાવ્યું હતું. તેમણે આ જથ્થો અમરેલી જિલ્લાના દામનગર ખાતે ઉતારવાની હોવાનું જણાવી શેરડીના જથ્થા અંગેની ચિઠ્ઠી પણ બતાવી હતી.જો કે, પોલીસને બન્ને વાત પર ફરી શંકા જતાં તાલપત્રીમાં છૂપાવેલાં જથ્થાની તલાશી લેતા શેરડીની આડમાં વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂની ૩૫૭ બોટલ કિંમત રૂ.૨,૩૦,૯૪૬ તથા બિયરના ૨૪૦ ટીન રૂ.૩૨,૪૪૮ તથા ટ્રક કિંમ ત રૂ. ૫ાંચ લાખ, બે મોબાઈલ કિંમત રૂ.એક હજાર તથા અને રોકડ રૂ. ૧,૨૧૦ મળી કુલ રૂ.૭,૬૬,૧૦૪ નાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે, શેરડીની આડમાં ટ્રકમાં દારૂ-બિયર છૂપાવીને લાવનાર મનોજગીરી ભુપતગીરી ગૌસ્વામી (ઉ.વ.૩૮ ધંધો-ડ્રાઈવિંગ રહે.પ્લોટ નંબર-બી/૭, વિદ્યાનગર સોસાયટી, રેલ્વે સ્ટેશન પાછળ, મહુવા જી.ભાવનગર ) તથા પ્રભાત ભોળાભાઇ ચૌહાણ ( ઉ.વ.૩૦ ધંધો-કલિનરરહે.પ્લોટ નંબર-૩૪, અશોકનગર, નેસવડ તા.મહુવા જી.ભાવનગર)ને ઝડપી પાડયા હતા. પોલીસે બન્નેની પૂછપરછ કરતા યુનુસ અને નટુ જોધાભાઇ બારૈયા (રહે.બન્ને મહુવા જી.ભાવનગર ) ને દારૂ-બિયરનો આ જથ્થો આપવાનો હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પોલીસે ઝડપાયેલાં બન્ને અને જથ્થો મંગાવનાર બે શખ્સો મળી કુલ ચાર શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
મહુવાના બે બુટલેગરે જથ્થો મંગાવ્યો હોવાની કબૂલાત ઃ ચારેય વિરૂદ્ધ ગુન્હો દાખલ
દારૂ-બિયરનો જથ્થો ભુંસાવળ હાઇ-વે ઉપરથી ખરીદ્યો હતો
વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપાયેલા ડ્રાઇવર અને કલિનરની એલસીબી પોલીસે પૂછપરછ આદરી હતી. જેમાં આ જથ્થો કોની પાસેથી લાવી કોને આપવાનો હતો ? તે બાબતે પૂછપરછ કરતા બંને પૈકી ડ્રાઈવર મનોજગીરીએ આ દારૂ બિયરનો જથ્થો મહારાષ્ટ્ર રાજયના ભુંસાવળ હાઇ-વે ઉપરથી બે અલગ-અલગ શખ્સ ખરીદયો હોવાની કબૂલાત આપી હતી.
શેરડીની ચિઠ્ઠી આપનાર કોણ? તેની પણ તપાસ થવી જોઈએ
દારૂ-બિયર ભરેલાં ટ્રકના જથ્થા સાથે ઝડપાયેલાં ટ્રકના ડ્રાઈવર અને કલિનરે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ટ્રકમાં શેરડીનો જથ્થો સાથે લાદયો હતો. જો કે, પોલીસે ટ્રકની તપાસ કરતાં બન્નેએ ટ્રકમાં શેરડી હોવાનું અને તેની એક ચિઠ્ઠી પણ દેખાડી હોવાનું પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું. ત્યારે, આ મામલામાં શેરડીની ચિઠ્ઠી આપનાર કોણ? તેની તપાસ થવી જોઈએ.