ગણેશગઢ નજીકથી દારૂ,બિયર અને બ્રિઝર ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો
- બાતમીના આધારે પોલીસે ભાવનગર આવતી કારને અટકાવી
- વેળાવદર ભાલ પોલીસે નાશાના જથ્થા અને કાર તથા મોબાઈલ મળી કુલ રૂ. 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
બનાવની વિગત એવી છે કે, ભાવનગરની વેળાવદર પોલીસ મથકનો સ્ટાફ હાઈ-વે પર પટ્રોલિંગમાં હતો ત્યારે, બાતમી મળી હતી કે મહુવાના નીચા કોટડા ગામે રહેતો રાહુલ કાનાભાઈ સાંખટ કાર નંબર જીજે.૦૫.સીએમ.૫૯૫૫માં વિદેશી દારૂ ભરી અધેલાઈ તરફથી ભાવનગર તરફ આવી રહ્યો છે. પોલીસે વૉચ ગોઠવતાં ભડભીડ ટોલ નાકા તરફથી આવી રહેલી ઉક્ત નંબરની કારને ગણેશગઢ ગામ પાસે શંકાના આધારે અટકાવી હતી. પોલીસે કાર ચાલક રાહુલ કાનાભાઈ સાંખટને કારમાંથી ઉતારી કારની તલાશી લેતા પૂઠાંનાં પાર્સલમાથી વિદેશી દારૂની ૬૬ બોટલ કિંમત રૂ.૩૪,૮૮૪, બિયરના ૭૨ ટીન રૂ.૬૫૫૨ અને બ્રિઝરના ૨૪ નંગ રૂ.૨૪૦૦ મળી આવતાં પોલીસે કારચાલકને નશાના જથ્થા અને મોબાઈલ અને કાર મળી કુલ રૂ.૫,૯૩,૮૩૬નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો અને તેની વિરૂદ્ધ વેળાવદર ભાલ પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ તળે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.