Get The App

કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ પર આઠ મહિનાથી પાણીના જગ મંગાવાઈ રહ્યા છે

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ પર આઠ મહિનાથી પાણીના જગ મંગાવાઈ રહ્યા છે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પીવાના પાણીના પણ ફાંફા પડી રહ્યા છે.ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે અભ્યાસ કરતા ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે છેલ્લા આઠ મહિનાથી ફેકલ્ટી પીવાના પાણીની જગ મંગાવીને કામ ચલાવી રહી છે.

મળતી વિગતો પ્રમાણે  મેઈન બિલ્ડિંગ ખાતે આરઓ સિસ્ટમ લગભગ આઠ મહિના પહેલા બગડી ગઈ હતી.આ  સિસ્ટમ રિપેર થાય તે દરમિયાન પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે બહારથી જગ મંગાવાય તે તો સમજી શકાય છે પરંતુ સત્તાધીશોએ આઠ મહિનાથી  આરઓ સિસ્ટમ  રિપેર કરાવવાની તસદી જ નથી લીધી અને રોજ પાણીના ૨૫ જગ મંગાવવાની વ્યવસ્થાને જ ચાલુ રાખવામાં આવી છે.

 વિદ્યાર્થીઓએ પણ આ મુદ્દે વારંવાર રજૂઆત કરી છે પરંતુ કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો આરઓનું સમારકામ પણ આઠ મહિનાથી કરાવી શક્યા નથી.બીજી તરફ પીવાના પાણીના જગ મંગાવવા માટે દર મહિને હજારો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પીવાના પાણીના ૨૫ જગ ઓછા પડે છે.પહેલા ટીવાય અને એસવાયના વર્ગો હોય છે અને એ પછી બપોરના સમયે એફવાયના વિદ્યાર્થીઓના લેકચર શરુ થાય છે.ઘણી વખત એફવાયના વિદ્યાર્થીઓ  આવે તે પહેલા જ પાણીના જગ ખાલી થઈ ગયા હોય છે.આ સંજોગોમાં વિદ્યાર્થીઓને બીજા યુનિટ પર પાણી લેવા જવું પડે છે અથવા પાણી વગર જ રહેવું પડે છે.



Google NewsGoogle News