વીર સાવરકર ભવનમાં પીવાનું પાણી પણ ગર્લ્સ કોલેજમાંથી લાવવુ પડે છે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વિવિધ કામગીરી માટે બનાવાયેલા વિવિધ પ્રકારના આઠ સેલની ઓફિસોને ડોનર્સ પ્લાઝા ખાતેના વીર સાવરકર ભવનમાં કોઈ પણ જાતની સુવિધાઓ આપ્યા વગર જ ખસેડવામાં આવ્યા છે.જેના કારણે આ ઓફિસોના સંચાલનમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે.
યુનિવર્સિટીની અધ્યાપક આલમમાં ચર્ચાતી વિગતો પ્રમાણે લગભગ બે મહિના પહેલા યુનિવર્સિટીના કોર્પોરેટ અફેર્સ, ડાયરેકટર ઓફ સ્ટુડન્ટ વેલફેર, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ, સ્ટાર્ટ અપ સેલ, એલ્યુમનાઈ અફેર્સ સેલ, ઈન્ક્યુબેશન સેલ અને રિસર્ચ એન્ડ કન્સલ્ટન્સી સેલને વીર સાવરકર ભવનમાં ખસેડવા માટે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે આદેશ આપ્યો હતો.
જોકે આ તમામ સેલની ઓફિસોને ખસેડવાની સાથે બીજી કોઈ સુવિધા આપવામાં આવી નહોતી અને તેના કારણે આજે પણ આ ઓફિસો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.જેમ કે આઠ ઓફિસો વચ્ચે માત્ર એક જ પ્યૂન અને એક જ ક્લાર્કની ફાળવણી કરવામાં આવી છે.અહીંયા પીવાના પાણીની પણ સુવિધા નથી.રોજ વીર સાવરકર ભવનની સામે આવેલી ગર્લ્સ કોલેજમાંથી પીવાનું પાણી ભરીને લાવવું પડે છે.વોશરુમ્સમાં પણ પાણીની સુવિધા તાજેતરમાં જ શરુ કરાઈ છે.
અધ્યાપક આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે આ ઓફિસો માટે જે તે સેલના કો ઓર્ડિનેટરને ફર્નિચરની વ્યવસ્થા પણ જાતે જ કરી લેવા માટે કહેવામાં આવ્યું હતુ.કો ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા અધ્યાપકોએ તેના માટે પણ દોડધામ કરવી પડી હતી.