વલસાડ નજીક નશામાં ધૂત નબીરાએ બાળકને અડફેટે લેતાં મોત, કાર ચાલક ફરાર
Hit And run Case Near Valsad : રાજ્યમાં સતત હિટ એન્ડ રન અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે વલસાડના ભીલાડ નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશામાં ધૂત નબીરાએ બાળકને અડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના ભીલાડ નજીક એક નશામાં ધૂત એક નબીરાએ ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી ઓટલા પર બેઠેલા નિર્દોષ બાળકને કારની અડફેટે લીધો હતો. બેફામ ગતિએ આવી રહેલી કારની ટક્કર વાગતાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કાર ચાલક બાળકને ટક્કર મારી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
અકસ્માત સર્જાતા આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નિર્દોષ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે સારવાર દરમિયાન આ બાળકનું મોત નિપજ્યું હતું.
આ સમગ્ર મામલો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ કાર ચાલકની શોધખોળ કરી રહી છે. આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.