મહુવામાં જન્મ-મરણનો દાખલો કઢાવવો એટલે લોઢાના ચણા ચાવવા સમાન
- ચીફ ઓફીસરને આવેદન સાથે તાળાબંધીની ચિમકી અપાઇ
- પાલિકાએ બનાવેલ બિલ્ડીંગો જર્જરિત બન્યા હોવા છતાં હજુ ઉભા છે : રોડ, પાણી, ગટરની વ્યવસ્થા પણ કાગળ ઉપર
છેલ્લા ઘણા સમયથી મહુવા નગરપાલિકામાં જન્મ-મરણના દાખલા કઢાવવામાં લોકોને મહિનાઓ સુધી ધક્કા ખાવા પડે છે અને રોજ વહેલી સવારે ફક્ત એક કલાક ટોકન આપવાથી વહેલી સવારથી લાઇન લાગી જાય છે તેમજ દૂરના ગામડાના અને બીજા જિલ્લાની બહેનોએ મહુવા શહેરમાં પ્રાઇવેટ કે સરકારી દવાખાને બાળકને જન્મ આપ્યો હોય તેના વાલીઓ વહેલી સવારે કેમ પહોંચે તે વિચારવું જરૂરી છે. સરકાર આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, ખેડૂત કાર્ડ, પાનકાર્ડ વિગેરે દાખલા કાઢવાના રોજ નવા નવા નિયમો ઘડે છે જેવા કે આખુ નામ, અટક (સરનેમ) પાછળ, લાલ, કુમાર, ભાઇ વિગેરે સુધારો કરવા લોકોને વીના વાકે દિવસો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે તેથી કિંમતી સમય અને પૈસા વેડફાઇ છે જેનું નિરાકરણ લાવવા તેમજ મહુવા નગરપાલિકામાં ઇન્દીરા-શાસ્ત્રી-નહેરૂ વિગેરે અનેક સરકારી વસાહતો તેમજ જીઇબીના વડલા સામે જેવી અનેક સરકારી કોમ્પ્લેક્ષ છે તે જર્જરિત હાલતમાં છે. નગરપાલિકા નોટિસો આપી છુટી જાય છે. કેટલીક વસાહતો અને કોમ્પલેક્ષો ૩૫-૬૦ વર્ષે જુના છે તેમાં અનેક પરિવારો વસે છે તે વસાહતો ૨૦ વર્ષે રિપેરીંગ કરી આપવી અને ૩૫ વર્ષે નવી કરવાની જવાબદારી સરકાર અને નગરપાલિકાની હોવા છતાં કશું થતું નથી. અનેક રોડ, ગટરો વિગેરે અનેક કામો બીલકુલ થયા જ નથી અને કાગળ પર બતાવી કરોડો રૂપિયા નેતાઓ અને બાબુઓ ચાંઉ કરી ગયાના પણ આક્ષેપો ઉઠયા છે ત્યારે આવા મુદ્દાઓનો પાંચ દિવસમાં ઉકેલ લાવવો અન્યથા નગરજનોને સાથે રાખીને મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની ઓફીસો પર તાળાબંધી કરવાની ચિમકી સાથે આવેદન અપાયું હતું.