Get The App

વડોદરાની સરકારી કચેરીઓની બહાર બે-ત્રણ કલાકનો જ હેલ્મેટ ડ્રાઇવનો ડ્રામા, કર્મચારીઓ પોલીસને જોઇ ભાગ્યા

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
વડોદરાની સરકારી કચેરીઓની બહાર બે-ત્રણ કલાકનો જ હેલ્મેટ ડ્રાઇવનો ડ્રામા, કર્મચારીઓ પોલીસને જોઇ ભાગ્યા 1 - image

Helmet Drive in Vadodara: રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ વડોદરામાં સરકારી કચેરીઓની બહાર આજે સવારથી હેલ્મેટ ડ્રાઇવ યોજાઇ હતી. ગણતરીના કલાકો સુધી પોલીકની આ કાર્યવાહી બાદ તમામ સરકારી કચેરીઓમાં રાબેતા મુજબ લોકોની અવરજવર થઇ ગઇ હતી. થોડા કલાકમાં જ હેલ્મેટ પહેરાવનારા મુખ્ય પોઇન્ટ પરથી હટી ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પોલીસવડાએ સોમવારે એક પત્ર લખી તમામ પોલીસ કમિશનરો તેમજ આઇજી અને એસપીને આદેશ કર્યા હતાં કે સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓ સરકારી કચેરીમાં આવે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરેલા હોવા જોઇએ જો તેમ ના હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી. આ પત્ર બાદ મંગળવારે સવારથી જ શહેરની પોલીસ વિવિધ સરકારી કચેરીઓના મુખ્ય ગેટ પર જરૃરી ટ્રાફિક સાધનો સાથે ગોઠવાઇ ગઇ હતી.

દિવાળીપુરા ખાતેની કલેક્ટર કચેરી, નર્મદા ભવન, કોઠી કચેરી સહિતની અન્ય સરકારી કચેરીઓની બહાર ઓફિસ ટાઇમ શરૂ થાય તે પહેલાં ટ્રાફિક પોલીસના માણસો  દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગના પગલે કેટલાંક વાહન ચાલકો દંડથી બચવા માટે સીધા જ આગળ જતા રહ્યા હતા તો કેટલાંક ટુ વ્હિલર ચાલકો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતાં. હેલ્મેટ નહી પહેરવા માટે જાતજાતના બહાના પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા  હતાં પરંતુ પોલીસની ડ્રાઇવના કારણે સરકારી કર્મચારીઓએ નમતું જોખવું પડયું હતું.

મહત્વની બાબત એ છે કે સવારના 10 વાગ્યાથી શરૃ થયેલી પોલીસની આ ડ્રાઇવ માંડ થોડા કલાક એટલે કે બપોરે એકાદ વાગ્યા સુધી ચાલુ રહી હતી ત્યાર બાદ પોલીસ સ્થળ પરથી હટી જતા ફરી પરિસ્થિતિ જૈસે થે થઇ ગઇ હતી. સરકારી કચેરીઓમાં બિન્ધાસ્ત લોકો પોતાના વાહનમાં હેલ્મેટ વગર પ્રવેશતા અને બહાર નીકળતા જણાયા હતાં. બે-ત્રણ કલાક કાયદાનો કડક અમલ કરાવ્યા બાદ સ્થિતિ રાબેતા મુજબની થઇ ગઇ હતી. સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને પણ આ કાયદાની કોઇ બીક ના હોય તેમ તેઓ બપોર બાદ ટુ વ્હિલર પર વગર હેલ્મેટે ફરતા જોવા મળ્યા હતાં.




Google NewsGoogle News