નવા વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી માટે કવાયત:ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી તરફ જતા રસ્તા પર વાહન-વ્યવહારની અવરજવર પર પ્રતિબંધ
સુરત પાલિકાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે કવાયત થઈ રહી છે. જેમાં હાલ ઉધના બી ઝોનમાં સમાવિષ્ટ વિસ્તારોમાં ડ્રેનેજ માટે કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરીને પગલે ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી તરફ જતા રસ્તા પર 15 એપ્રિલથી 31 મે સુધી તમામ રાહદારીઓ તથા તમામ પ્રકારના વાહન-વ્યવહારની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સુરત પાલિકાના તબક્કાવાર હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પાણીની, ડ્રેનેજ અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. હાલમાં ન્યુ સાઉથ ઝોન ડ્રેનેજ ઝોનમાં આવેલ ઉબેર-તલંગપુર-કનકપુર-કનસાડ ના બાકી રહેલા રસ્તા પર આર.સી.સી. પાઈપો પુરા પાડી ડ્રેનેજ લાઈન નાંખવાની હાથ ધરવામાં આવી રહી છે. ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી ગામ તરફ જતા રસ્તા પર ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી 15 એપ્રિલથી 31 મે સુધી હાથ ધરવામાં આવશે જેના કારણે ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી ગામ તરફ જતો રસ્તો તમામ રાહદારીઓ તથા તમામ પ્રકારના વાહન-વ્યવહારની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ કામગીરી દરમિયાન વૈકલ્પિક રસ્તા તરીકે સચિન જી.આઈ.ડી.સી.ના તલંગપુર રોડ થી ઈશ્વરનગર બરફ ફેક્ટરી તરફ જતા સચિન જી.આઈ.ડી.સી. શીવનગર ગેટ સુધી ત્યારબાદ સચિન જી.આઈ.ડી.સી. શીવનગર ગેટથી ડાબી બાજુ વળાંક લઈ સચિન જી.આઈ.ડી.સી. આઈ-૫ રોડ પર થી તલંગપુર ગામ તરફ જતા રસ્તા સુધી જઈ ત્યારબાદ જમણી બાજુ વળાંક લઈ સચિન જી.આઈ.ડી.સી. આઈ-10 રોડ પરથી તલંગપુર ગામ તરફ જતા રસ્તા પરથી તલંગપુર તળાવ થઈ ઉબેર-તલંગપુર ગામ તરફ જઈ શકાશે. ઉપરાંત ઉબેર-તલંગપુર ગામ થી ઈશ્વરનગર બરફ ફેક્ટરી તરફ જવા માટે ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.