યુનિ.ના બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં ગટરો ઉભરાવાની સમસ્યા યથાવત છે.હોસ્ટેલ સત્તાધીશો અને કોર્પોરેશનના સત્તાધીશો દોષનો ટોપલો એક બીજા પર ઢોળી રહ્યા છે પરંતુ સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી.
મળતી વિગતો પ્રમાણે બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં આવેલા લાલ બહાદુર શાસ્ત્રી હોલ અને વી એસ હોલની પાછળના ખુલ્લા મેદાનમાંથી ગટર પસાર થાય છે.આ લાઈન એક વર્ષ કરતા વધારે સમય પહેલા તુટી હતી અને ગટરનું દુર્ગંધ મારતું પાણી મેદાનમાં જમા થતું હતું.જેને લઈને વિદ્યાર્થીઓએ ભારે ઉહાપોહ પણ કર્યો હતો.આ ગટર લાઈનનું રીપેરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં ફરી એક વખત ભંગાણ પડયું છે અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.વિદ્યાર્થીઓ વારંવાર રજૂઆત કરવા છતા પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
શિયાળામાં હોસ્ટેલમાં એમ પણ મચ્છરોનો ત્રાસ વધી જાય છે ત્યારે ગટરના પાણી મેદાનમાં ભરાઈ રહ્યા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ બમણો થઈ રહ્યો છે.જેના કારણે વિદ્યાર્થીઓ પર બીમારીઓનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે.
હોસ્ટેલના સૂત્રોેએ કહ્યું હતું કે, ગટર લાઈનો બહુ જૂની થઈ ગઈ છે અને નવી લાઈનો નાંખવાની છે.કોર્પોરેશનની મંજૂરી મેળવીને નવી લાઈનો નાંખવામાં આવશે અને તેને કોર્પોરેશનની મેઈન ડ્રેનેજ લાઈન સાથે કનેકટ કરવામાં આવશે.