એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ VCએ રૂ. 64200 ભાડું ચૂકવવું પડશે, રાજીનામા બાદ અઢી મહિના સુધી બંગલામાં રહ્યા
Baroda વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવે અઢી મહિના બાદ વાઈસ ચાન્સેલરનો સત્તાવાર બંગલો ખાલી કર્યો છે. જોકે બંગલામાં રહેવા માટે તેમણે કુલ મળીને 64200 રુપિયા ભાડું ચૂકવવું પડશે. સૂત્રોનું કહેવું છે કે, હજી સુધી તો ડો.શ્રીવાસ્તવે કોઈ ભાડું આપ્યું નથી. ડો.શ્રીવાસ્તવે તા.8 જાન્યુઆરીએ રાજીનામું આપ્યા બાદ તેમને બંગલામાં રહેવા માટે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે એક મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. આ એક મહિના માટેનું ભાડું 1200 રુપિયા ગણવામાં આવ્યું છે. સાથે જ બાદમાં બજાર ભાવે ભાડું વસુલવાની ગણતરી કરાઈ હતી.
બજાર ભાવ પ્રમાણે ભાડાની ગણતરી
પરંતુ એ પછીના સમય માટે યુનિવર્સિટી દ્વારા રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના પરિપત્રને ધ્યાનમાં રાખીને બજાર ભાવ પ્રમાણે ભાડાની ગણતરી કરવામાં આવી છે. જે અનુસાર ફેબ્રુઆરી મહિના માટે તેમણે 42000 રુપિયા અને માર્ચ મહિનાના પંદર દિવસ માટે 21000 રુપિયા ભાડું ચુકવવાનું થાય છે. આમ કુલ મળીને તેમને 64200 રુપિયા ભાડું આપવું પડશે.
બાકી પગારમાંથી વસુલી શકાય ભાડું
સૂત્રોનું કહેવું છે કે, ડો.શ્રીવાસ્તવને હજી 85000 રુપિયા જેટલો પગાર લેવાનો બાકી નીકળે છે. જો સત્તાધીશો ધારે તો બંગલાનું ભાડું તેમાંથી પણ વસુલવાની કાર્યવાહી કરી શકાય તેમ છે.