અમરેલી: 'આઝાદીના 77 વર્ષ પછી પણ નાવલી નદીની હાલત બદતર', ભાજપ નેતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર પ્રહાર
Dr. Bharat Kanabar on Attack BJP leaders: અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબારે ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ મૂકીને ભાજપના જ ચૂંટાયેલા નેતાઓ પર કટાક્ષ કર્યો છે. સાવરકુંડલાની નાવલી નદીની દશાને લઈને તેમણે 'X' પર લખ્યું કે, 'ઝડપી વિકાસની લ્હાયમાં ક્યાંક આપણે ઊંધું ઘાલીને તો દોડી રહ્યા નથી ને?'
'નાવલી નદીની દશા દિન પ્રતિદિન બદતર થઈ રહી છે'
ડૉ. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'ઝડપી વિકાસની લ્હાયમાં ક્યાંક આપણે ઊંધું ઘાલીને તો દોડી રહ્યા નથી ને? આવા પ્રશ્નો ત્યારે ઊઠે જ્યારે સાવરકુંડલાની કેટલીક નાની શેરીઓમાં અને સોસાયટીઓમાં RCCના પાક્કા રસ્તા જોવા મળે છે. પરંતુ શહેરના નાક સમી નાવલી નદીની દશા આઝાદીના 77 વર્ષ પછી પણ દિન પ્રતિદિન બદતર થતી જોવા મળે છે!
તેમણે આગળ લખ્યું કે,'આસમાનના તારા તોડી લાવવાની ગુલબાંગો મારતાં અનેક ચૂંટાયેલ લોકપ્રતિનિધિઓ આવી ગયા પણ નાવલી નદી અને તેની આસપાસના વિસ્તારની કુરૂપતા અને ગંદકીમાં તસુ ભારનો ફરક પડ્યો નથી. આ જોયા પછી સાવરકુંડલાની પ્રજાની સહનશીલતા માટે પણ માન થઈ જાય.'
આ પણ વાંચો: સુરતમાં 'ડ્રગ્સ પાર્ટી' પર મોટી કાર્યવાહી, 9 વિદેશી સ્પા ગર્લ સહિત કુલ 14ની ધરપકડથી ખળભળાટ
ઉલ્લેખનીય છે આ પહેલીવાર નથી કે પ્રમુખ ડૉ. ભરત કાનાબારે 'X' પર લખીને સરકાર અને તંત્રના કાન આમળ્યા હોય છે. આ અગાઉ પણ ઘણીવાર તે સરકાર અને તંત્ર પર પ્રહાર કરી ચૂક્યા છે.
આ પણ વાંચો: 'અમરેલીને આપેલા વચનો યાદ અપાવવા પડશે', વડાપ્રધાનની મુલાકાત પહેલા કોંગ્રેસની લોકોને અપીલ
જેની ઠુમ્મરની અપીલના બીજા દિવસે ભરત કાનાબારની પોસ્ટ
આશ્ચર્યની વાત એ પણ છે કે ગઈકાલે મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મરે સોશિયલ મીડિયા પર કરેલી અપીલના બીજા જ દિવસે ભાજપના નેતાએ પોસ્ટ મુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી ઑક્ટોબરે અમરેલીના લાઠી ખાતે આવી રહ્યા છે. તે પહેલા જેનીબહેને અમરેલીના લોકોને અપીલ કરી હતી કે, 'તેમણે અમરેલીને આપેલા વચનો યાદ અપાવવા પડશે', જેનીબહેને તેમની પોસ્ટની કમેન્ટમાં સૂચનો, પ્રશ્નો અને અભિપ્રાયો મંગાવ્યા છે. અને તેના બીજા જ દીવસે ભરત કાનાબારે શહેરની નાવલી નદીની સમસ્યા ઉજાગર કરી છે. જે ઘણું સૂચક માનવામાં આવે છે.