પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી નિયામક દ્વારા મંગાઈ નથીઃ DPEO
Gandhinagar: શિક્ષકોની કાયમી ભરતીના મુદ્દે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને પામીને સરકારે ભરતીની જાહેરાત કરવાની સાથે ક્યા ધોરણમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે. તેની વિગતો જાહેર કરી છે. પરંતુ ગાંધીનગર જિલ્લામાં હજુ આ સંબંધેની વિગતો મેળવવામાં આવનાર હોવાનું જણાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO)એ જણાવ્યું કે જુલાઈ 2023ની સ્થિતિએ કેટલી જગ્યાઓ ખાલી છે, તેની માહિતી આપવા નિયામક દ્વારા આદેશ અપાયા પછી અમે માહિતી મેળવીશું.
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં મળીને 24,700 જેટલી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. તેવી સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધીમાં શિક્ષકોની 15,341 અને ધોરણ 9થી 8માં 8,318 શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનું પણ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું હતું.
સાથે જ પ્રાથમિકથી લઇને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેમ પણ જાહેર જનતાને જણાવવામાં આવ્યુ હતું. પરંતુ રાજ્યના પાટનગરના જિલ્લા ગાંધીનગર (Gandhinagar)માં જ પ્રાથમિક વિભાગની શાળાઓમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે, તેની વિગતો નિયામક કક્ષાએથી આદેશ કરવામાં આવે ત્યાર બાદ મંગાવવામાં આવશે. તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પિયુષ પટેલે (Piyush Patel) જણાવ્યું હતું.
બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધી અને ધોરણ 6થી 8 સુધીમાં ગાંધીનગર જિલ્લામાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે. તેવા પ્રશ્ના જવાબમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ઉપરોક્ત જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું, કે આ મહેકમ તો અમારે મંગાવવું પડે. નિયામક કથાએથી તારીખ 31 જુલાઇની સ્થિતિએ શિક્ષકોની ખાલી જગ્યા સંબંધે માહિતી આપવાનો આદેશ આપવામાં આવે ત્યાર બાદ તેની વિગતો મંગાવીશુ તેમ વધુમાં જણાવ્યુ હતું.