સુરત પાલિકાના વિપક્ષના બેવડા ધોરણ : વરાછામાં એસીબીમાં ફરિયાદ થઈ તે અધિકારીને સમર્થન અને ફરિયાદ નથી તેવા અધિકારી સામે વિરોધ
Surat Corporation : સુરત પાલિકાના વરાછા ઝોનના વડાને એડીશનલ સીટી ઈજનેર તરીકે કાયમી કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ રહી છે ત્યારે પાલિકાના વિરોધ પક્ષે તેમને કાયમી ન કરવા માટેની મેયર અને સ્થાયી અધ્યક્ષને રજુ કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા વરાછા ઝોનના ઝોલ ચીફને કાયમી કરવાની દરખાસ્ત સામે વિરોધ કરવાનો મુદ્દો પાલિકામાં હોટ ટોપિક બની ગયો છે. પાલિકાના વરાછા ઝોનમાં પે એન્ડ પાર્કના લાંચ પ્રકરણમાં ઝોનલ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે પરંતુ વિપક્ષે તેમની સામે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી પરંતુ આ કેસમાં કોઈ આક્ષેપ નથી તેવા ઝોનલ ચીફ સામે વિપક્ષ વિરોધ કરી રહ્યું છે. તેથી વિપક્ષના વિરોધ કરવાના બેવડા ધોરણ પાલિકામાં ચર્ચાનો વિષય બની ગયાં છે.
સુરત પાલિકાના વરાછા ઝોનના ઝોનલ ચીફ ધર્મેશ ભગવાગરને એડીશન સીટી ઈજનેર તરીકે કાયમી કરવાની દરખાસ્ત આજની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્ત સામે ગઈ કાલે પાલિકાના વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી દ્વારા મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષને મળીને ભગવાગર નબળા અધિકારી છે તેમને કાયમી ન કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. આ રજૂઆત પાલિકામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
આ પહેલા આવી રીતે કોઈ અધિકારીનો વિરોધ કરવામાં આવ્યા નથી. ઉપરાંત થોડા સમય પહેલાં પાલિકાના વરાછા એ ઝોનમાં પે એન્ડ પાર્કના લાંચ કેસમાં વિપક્ષના બે કોર્પોરેટરો સામે એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તેમને જેલવાસ પણ થયો હતો. હાલ આ બન્ને કોર્પોરેટરો જામીન પર છૂટ્યા છે. આ કિસ્સામાં પાલિકાના વરાછા એ ઝોનમાં ઝોનલ ઓફિસર અને અન્ય આસી. કમિશનર સામે પણ ગંભીર આક્ષેપ થયાં છે અને તેઓ લાંબા સમય રજા પર ઉતરી જતા ઝોનનો વહીવટ ખોરવાયો હતો. આવી સ્થિતિ હોવા છતાં વિપક્ષે એસીબી કેસમાં આક્ષેપ થયા છે તેવા અધિકારીઓ સામે કોઈ વિરોધ કર્યો ન હતો, પરંતુ હાલ ઝોનલ ચીફ નબળા હોવાની રજૂઆત કરે છે તે મુદ્દો પાલિકામાં ચર્ચાનો વિષય બની ગયો છે.