Get The App

મુખ્યમંત્રીને મળવાના દરવાજા બંધ : શિક્ષક ઉમેદવારનું સચિવાલયના ગેટ ઉપર રુદન

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
Teacher


Teacher Recruitment News : સોમવારે ગાંધીનગરમાં સરકારી ભરતીના HTAT, TAT, અન્ય ભાષાના શિક્ષક ઉમેદવારો અને ફોરેસ્ટ ઉમેદવારોએ રજૂઆત અને આંદોલનથી સરકારને ઘેરી હતી. ત્યારે સરકારે રજૂઆત સાંભળવાને બદલે સચિવાલયના ગેટ ઉપર પોલીસ બંદોબસ્ત મૂકી ઉમેદવારોની એન્ટ્રી બંધ કરી દીધી હતી. રાજ્યના અલગ અલગ ખૂણેથી આવેલા ઉમેદવારોએ સચિવાલયના ગેટ ઉપર જ રજૂઆત શરૂ કરી દીધી હતી. રજૂઆત દરમિયાન જ એક યુવકે રુદન કર્યું હતું. 

ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી મુદ્દે ગાંધીનગરના સેક્ટર 11 ના રામ કથા મેદાનમાં 500 જેટલાં ફોરેસ્ટ બિટ ગેસની પરીક્ષાના ઉમેદવારો ભેગા થયા હતા અને CBRT - કોમ્પ્યુટર બેઝ રીક્રુટમેન્ટ ટેસ્ટ રદ્દ કરવાની માંગ હતી હતી. જ્યારે બીજી બાજુ સચિવાલય ના ગેટ નંબર 1 ઉપર અન્ય માધ્યમ (ગુજરાતી માધ્યમ સિવાય) ના શિક્ષક ભરતીના ઉમેદવારોએ મોરચો ખોલ્યો હતો. 

સરકાર સામે આંદોલન અને રજૂઆતની ભિતિથી સચિવાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી મંડળને રાજ્યના અરજદારો પોતાની રજૂઆત લઈને રૂબરૂ મળવા આવતા હોય છે. જેમાં સોમવાર ખાસ અરજદારો માટે સરકારના મંત્રીઓનો સમય અનામત રાખવામાં આવ્યો હોય છે. 

પરંતુ આજે રજૂઆત કરવા આવેલા ઉમેદવારોને રજૂઆત કરવા જતા અટકાવી દેવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે તાજેતરમાં 24,700 શિક્ષકોની જાહેર કરી હતી. આ ભરતીમાં 2750 જેટલાં શિક્ષકોની અન્ય માધ્યમો જેવી કે મરાઠી, ઉડિયા, હિન્દી, અંગ્રેજી જેવી ભાષાના શિક્ષકોની ભરતીની જાહેરાત કરી ન હતી. જેથી તેમાં 1852 જેટલી જગ્યાઓ સરકાર તાત્કાલિક ભરતી કરે એ માટે ઉમેદવારો સરકારને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યારે ઉમેદવારો સચિવાલયના ગેટ ઉપર જ અટકાવી દેવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા અટકાવી દેવામાં આવ્યા હતા.

તેમાં એક ઉમેદવાર પ્રમોદ ચૌહાણે ગેટ આગળ જ રુદન શરૂ કરી દીધું હતું અને રજૂઆત કરી હતી કે છેલ્લા 6 વર્ષથી ભરતી કરી નથી. સરકાર અમારી તાત્કાલિક ભરતી કરે, અમારા કેટલાય ઉમેદવારોની ભરતી માટેની જરૂરી વય મર્યાદા આવી ગઈ છે, અમો વર્ષોથી મહેનત કરી રહ્યા છે અને હવે જો સરકાર ભરતી નહિ કરે તો લાયક ઉમેદવારો ભરતી થવાને લાયક રહેશે નહિ.


Google NewsGoogle News