Get The App

વડોદરા કોર્પોરેશન ત્રણ ઝોનમાં 10 વર્ષ માટે ડોર ટુ ડોર કલેક્શનના કામનો ઇજારો આપશે

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશન ત્રણ ઝોનમાં 10 વર્ષ માટે ડોર ટુ ડોર કલેક્શનના કામનો ઇજારો આપશે 1 - image


Vadodara : વડોદરા શહેરમાંથી દૈનિક ધોરણે ઉત્પન્ન થતાં ધન કચરાનાં ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન સહિતની 10 વર્ષ માટેની ટેન્ડરમાં જણાવ્યા મુજબની કામગીરી કરવા માટે અલગ-અલગ ત્રણ ઝોનના ટેન્ડર આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં આઠ કલાકની કામગીરી માટે રૂપિયા 5515ના ભાવે નાના વાહનો સહિતના ભાવ અંગે નિર્ણય લેવાશે.

 શહેરમાં એક તરફ ડોર ટુ ડોર કલેક્શનની ગાડીઓ ખૂબ જ અનિયમિત આવે છે અને વારંવાર તે અંગે શહેરીજનો ઉપરાંત કોર્પોરેટરો દ્વારા પણ ફરિયાદો થઈ રહી છે. બીજી તરફ ડોર ટુ ડોરના વાહનો દ્વારા થતા અકસ્માતના કારણે બાળકના પણ મૃત્યુ થવા જેવી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે સ્થાયી સમિતિમાં વધુ એક વખત ડોર ટુ ડોરના કામનો ઇજારો આપવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ ઝોન માટે દસ વર્ષનો ઈજારો આપવા વિવિધ શરતોને આધીન કામ મંજૂર કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. દક્ષિણ અને પૂર્વ ઝોનમાં કામ કરવા માટે મેં.વેસ્ટર્ન ઈમેજીનરી ટ્રાન્સકોન પ્રા.લી. તથા પશ્ચિમ વિસ્તારમાં મેં.ઓમ સ્વચ્છતા કોર્પોરેશને ભરેલા ટેન્ડર યોગ્ય હોવાનું જણાવી તે કામ મંજૂરી અર્થે સ્થાયી સમિતિમાં રજૂ કરાયું છે. આગામી તારીખ 10ને શુક્રવારના સાંજના સમયે મળનાર સ્થાયી સમિતિમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ઓફર કરેલ ટેન્ડર મુજબ વિવિધ શરતો પૈકિ જુદી-જુદી કામગીરી-વાહનો માટેનાં જણાવેલ નેગોશીયેટેડ ભાવથી SGV (Small Goods Vehicle)નાં દૈનિક 8 કલાકની કામગીરીનાં રૂ.5,515 જયારે અન્ય વાહનો અને કામગીરીઓનાં ટેન્ડર મુજબના જણાવેલ ભાવથી, સ્કોપ ઓફ વર્ક મુજબ અને ટેન્ડરની શરતોથી કામગીરી સોંપવા તથા આ બાબતની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે.

 ઉલ્લેખનીય છે કે, શહેરના રહેણાંક એકમોમાંથી ડોર ટુ ડોર પધ્ધતિ હેઠળ કચરાનાં એકત્રિકરણની કામગીરી કરતી એજન્સીઓ સારુ બહાર પાડવામાં આવેલ અગાઉનાં ટેન્ડરની મુદ્દત ઓકટોબર 2024માં પુર્ણ થયેલ છે તથા નવીન ઇજારદાર કામગીરી શરૂ કરે ત્યાં સુધી હાલના ઈજારાની મુદ્દત વધારવામાં આવેલ હોઈ શહેરમાં સ્વચ્છતાનાં ધોરણોને વધુ સઘન કરવા તથા સ્વચ્છતામાં અગ્રીમતાનાં ધોરણો મળી રહે તે હેતુસર નવેસરથી કામગીરીની જરૂરીયાતને ધ્યાનમાં લેતાં, હાલની કામગીરી-પધ્ધતિ વિગેરેમાં સુધારો મળી રહે તે હેતુસર અન્ય શહેરોની કાર્યપધ્ધતિ, અત્રેની કામગીરીની જરૂરીયાત વિગેરેને ધ્યાને લઈ સ્વચ્છ ભારત મિશનના એમ્પેનલ્ડ કન્સલ્ટન્ટ દ્વારા સુચવેલ જુદા-જુદા ઉચ્ચ સ્તરે અવારનવાર વિચારવિર્મશ- પ્રેઝન્ટેશન વિગેરેને અંતે નક્કી થયેલ ડોર ટુ ડોર/ગેટ ટુ આર.ટી.એસ પધ્ધતિએ કચરા નિકાલની નવી કામગીરી માટે સ્વચ્છ ભારત મિશનના એમ્પેનલ્ડ કન્સલ્ટન્ટ-ફેસાઇલ મારફત ટેન્ડર ડોકયુમેન્ટ તૈયાર કરાવી ટેન્ડરમાં જણાવેલ સ્કોપ ઓફ વર્ક, શરતો, ક્રાઇટેરીયા વિગેરે સહિત પ્રથમ તબકકે 10 વર્ષ માટે કામગીરી સોંપવામાં આવશે.


Google NewsGoogle News