Get The App

અદાલત સાથે રમત રમવાનો પ્રયાસ ના કરશો...', હરણી બોટકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ ભડકી

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
અદાલત સાથે રમત રમવાનો પ્રયાસ ના કરશો...', હરણી બોટકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ ભડકી 1 - image


Harani Boat Tragedy: વડોદાર હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે દાખલ થયેલી સુઓમોટો પીઆઇએલમાં ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે કસૂરવાર કોટિયા પ્રોજેક્ટ્‌સ પાર્ટનરશીપ ફર્મનો ઉધડો લઇ નાંખ્યો હતો. ખાસ કરીને આ કેસમાં દોઢ મહિના પહેલા તેમને નોટિસ બજી ગઇ હોવાછતાં કોટિયા પ્રોજેક્ટસ તરફથી કોઇ હાજર નહી રહેતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે બહુ ગંભીર નોંધ લઇ સાફ શબ્દોમાં જણાવ્યું હતુ કે, આ ન્યાયની અદાલત છે કોઇ ચેસ બોર્ડ નથી. અદાલત સાથે રમત રમવાનો પ્રયાસ ના કરશો. 

આ દુર્ઘટના માટે કસૂરવાર કોટિયા પ્રોજેક્ટસના ખિસ્સામાં વળતર ચૂકવવાનો મામલો હવે અદાલત નિર્ણિત કરશે. હાઇકોર્ટે આ માટે પીડિતોનું સ્ટેટ્‌સ અને ઇજાગ્રસ્તોની માહિતી સાથેનો રિપોર્ટ રજૂ કરવા વડોદરા કલેકટરને હુકમ કર્યો હતો.

નોટિસ છતાં ફર્મ તરફથી કોઇ હાજર નહી રહેતાં હાઇકોર્ટે ઝાટકયા

હાઇકોર્ટે રિપોર્ટમાં પીડતો અને ઇજાગ્રસ્તોના નામ, ઉમંર, સરનામા, કેટલા અંશે અને કયા પ્રકારની ઇજા છે તે સહિતની તમામ વિગતો સાથેનો રિપોર્ટ રજૂ કરવા વડોદરા કલેકટરને તાકીદ કરી હતી. શુક્રવારે વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના જાહેરહિતની રિટની સુનાવણી દરમિયાન કોટિયા પ્રોજેકટના એક નિવૃત્ત ડિરેકટર વિનીત કોટિયા તરફથી તેના વકીલે હાજર થઇને બચાવ કરવાનો પ્રયાસ કર્યો કે, તેઓ તો આ બનાવ બન્યો તેના પહેલાના નિવૃત્ત થઇ ગયા છે અને તેમની આ બનાવને લઇ કોઇ જવાબદારી બનતી નથી. 

જો કે, ચીફ જસ્ટિસે વકીલને સીધો જ સવાલ કર્યો હતો કે, તમારી પાસે કોટિયા પ્રોજેકટ્‌સ તરફથી અપીઅર થવા માટેનું વકાલતનામું છે..? તમે આ કેસમાં હાજર રહેવા કે રજૂઆત કરવા માટે વકાલતનામું ફાઇલ કર્યું છે..? જો ના હોય તો કોર્ટ શું કરવા તમને સાંભળે..? તમને રજૂઆત કરવાની પરવાનગી નથી. હાઇકોર્ટે આ કેસમાં મેસર્સ કોટિયા પ્રોજેક્ટસને પક્ષકાર બનાવી છે અને તેને દોઢ મહિના પહેલા નોટિસ જારી કરી છે પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઇ હાજર થયુ નથી. અદાલતે માત્ર પીડિતોને કસૂરવાર કોટિયા પ્રોજેક્ટ્‌સના ખિસ્સામાંથી તેઓને વળતર ચૂકવવાનો મામલો હાલ નિર્ણિત કરવાનો છે. ઓરલ ઇન્સ્ટ્રકશન પર તમે આ રીતે કોર્ટમાં રજૂઆત ના કરી શકો.

એ પછી કોટિયા પ્રોજેકટ્‌સના અન્ય ચાર પાર્ટનર તરફથી બીજા એક વકીલ ઉભા થઇ રજૂઆત કરવાનો પ્રયાસ કરતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે તેમને પણ ઝાટકી નાંખ્યા હતા અને જણાવ્યું હતું કે, તમે ગઇકાલે જ આ કેસમાં ચારેય પાર્ટનર તરફથી આ કેસમાં પક્ષકાર બનવા અરજી કરી છે, વેરી સ્માર્ટ.... પરંતુ કોટિયા પ્રોજેક્ટસમાં 13 પાર્ટનરો છે અને ચાર પાર્ટનરને વ્યકિગત ધોરણે હાજર થવાની પરવાનગી આપી શકાય નહી. તમે આ પ્રકારની પ્રયુકિત દ્વારા અદાલતની પ્રોસીડીંગ્સ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છો અને ખાસ કરીને એ પણ એવા સમયે કે જયારે કોર્ટ કોટિયા પ્રોજેક્ટસના ખિસ્સામાંથી પીડિતોને વળતર અપાવવાનો મુદ્દો નિર્ણિત કરવા જઇ રહી છે. હાઇકોર્ટે આ ચાર પાર્ટનરના વકીલની અરજી પણ ફગાવી દીધી હતી. 

ન્યુ સનરાઇઝ સ્કૂલની જવાબદારીનો મુદ્દો પણ ઘ્યાને લેવાશે

કેસની સુનાવણી દરમિયાન પીડિતો તરફથી અદાલતનું આ કેસમાં ન્યુ સનરાઇઝ સ્કૂલને પણ આ દુર્ઘટના માટે જવાબદાર ઠરાવી પક્ષકાર બનાવવા માંગણી કરાઇ હતી, જેથી હાઇકોર્ટે આ મુદ્દો પણ વિચારણામાં લેવાશે તેમ જણાવ્યુ હતું. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, પહેલાં કોટિયા પ્રોજેક્ટસના ખિસ્સામાથી પીડિતોને વળતરનો મુદ્દો નિર્ણિત થઇ જવા દો, એ પછી તમારી એ અરજી પણ ઘ્યાને લઇશું. હાઇકોર્ટે કેસની સુનાવણી તા.25મી ઓકટોબરે રાખી હતી. 


Google NewsGoogle News