'બનાસકાંઠાનું જ નહી, બનાસ ડેરી-બનાસ બેંક સહિતની સહકારી સંઘનું વિભાજન કરો'
Banaskantha Partition Controversy : બનાસકાંઠાના વિભાજનને લઇને કાંકરેજ, શિહોરી, દિયોદરા અને ધાનેરામાં સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું કે જિલ્લાનું વિભાજન આવકાર્ય છે પણ એ જ રીતે સહકારી સંસ્થાના વિભાજનની માંગ કરી છે. ભાજપના જ સાંસદે આ માંગ કરી બળતામાં ઘી હોમ્યું છે.
પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને બનાસડેરી સહિતની સહકારી સંસ્થાના વિભાજનની વાત બળતામાં ઘી હોમ્યું છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન આવકાર્ય છે, પરંતુએ જ રીતે સહકારી સંસ્થાઓના વિભાજનની માંગ કરી છે. સહકારી દૂધ મંડળી, સહકારી સંઘ, ખરીદ વેચાણ સંઘ સહિતની સહકારી મંડળીઓનું પણ વિભાજન કરવામાં આવે જેથી લોકોની સુવિધા વધે અને વધુ લાભ મળે.
તો બીજી તરફ લોકોના મોંઢે ચર્ચાઇ રહ્યું છે કે બનાસકાંઠાના વિભાજનની વાત છે, તેને પાટણ જિલ્લા સાથે કોઇ લેવા-દેવા નથી. ત્યારે પાટણના સાંસદ અનજાને કી શાદી મેં બેગાના દિવાનાની માફક કૂદી પડ્યા છે.
આ પણ વાંચો: બનાસકાંઠા વિભાજન મુદ્દે સતત ચોથા દિવસે વિરોધ પ્રદર્શન, ધાનેરાવાસીઓએ બંધ પાળી રેલી કાઢી
મહત્વની વાત એ છે કે બનાસડેરી સૌથી વધુ પશુપાલકો, સભાસદો અને આવક મેળવનારી ડેરી છે અને તેના ચેરમેન વિધાનસભા અધ્યક્ષ ચૌધરી છે.
ધાનેરા બંધનું એલાન
નવા વર્ષમાં રાજય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 8 તાલુકાનો સમાવેશ કરીને નવો વાવ-થરાદ જિલ્લાની જાહેરાત કરી હતી. જેમાં અસમતોલ વિભાજન અને સ્થાનિક લોકોના મત જાણ્યા વિના વિભાજન કરી દેવાયું હોવાના સૂર ઉઠ્યા છે. નવરચિત જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલા કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાની પ્રજાએ બનાસકાંઠામાં રહેવાની માંગ સાથે વિરોધ નોધાવ્યો છે. ત્યારે આજે ધાનેરાવાસીઓએ પોતાના વેપાર ધંધા સજ્જડ બંધ રાખીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
કાંકરેજના ધારાસભ્યને આ નિર્ણયને ખોટો ઠેરવ્યો
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે. સરકારે કોઈપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ નિર્ણય લીધો છે. કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, જૂના બનાસકાંઠાના 14 તાલુકાનું વિભાજન કરીને રાજય સરકાર દ્વારા 8 તાલુકાનો સમાવેશ કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ નિર્ણય અગાઉ સ્થાનિક લોકો અને રાજકીય આગેવોના અભિપ્રાય લેવાયા ન હોવાનો દાવો કરાઈ રહ્યો છે. લોકોમાં ઉઠેલા વિરોધના વંટોળ વચ્ચે ધાનેરા, કાંકરેજ, દિયોદર પંથકના ભાજપના આગેવાનોએ પણ જિલ્લાની વિભાજન પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓ દૂર કરીને સ્થાનિકોની માંગણી સંતોષવા વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.