VIDEO: નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ ચૂંટણી લડવા દાનની અપીલ, વીડિયો વાયરલ
Lok Sabha Elections 2024: સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયાં બાદ ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. તો બીજી તરફ નવસારી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ચૂંટણી લડવા માટે લોકો પાસે દાનની અપીલ કરી છે.
કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈનો વીડિયો વાયરલ
કોંગ્રેસે નવસારી બેઠકથી નૈષધ દેસાઈનું નામ જાહેર કર્યું હતું. આ જાહેરાત બાદ હજી સુધી કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ કોઈ મોટી જાહેર સભા યોજી નથી તેના કારણે અનેક અટકળો થઈ રહી છે. આ દરમિયાન આજે (26મી એપ્રેલ) નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તેઓ લોકો પાસે મત અને દાન બંને માંગી રહ્યાં છે.
ચૂંટણી લડવા માટે નૈષધ દેસાઈએ દાનની અપીલ કરી
વાયરલ થઈ રહેલા વીડિયામાં નૈષધ દેસાઈ જણાવે છે કે, 'જાણો છે કે દુનિયામાં પહેલી વખત કોઈ રાજકીય પક્ષ એવા કોંગ્રેસના બેંક એકાઉન્ટ ચૂંટણી પહેલા સીલ થયા હોય તેવો પ્રસંગ બન્યો છે. અત્યારે ભારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણીને ભાજપે ખૂબ જ ખર્ચાળ બનાવી દીધી છે. તેથી મારો ક્યુઆર કોડ અને બેંક એકાઉન્ટની વિગતો રજૂ કરી છે. જેથી મતદાન પહેલા તમારા આર્શીવાદ સાથે મને દાન આપવા પ્રાર્થના કરૂ છું.'
નોંધનીય છે કે, કોંગ્રેસના કાર્યકરોમાં નૈષધ દેસાઈનો આ વીડિયો વિવાદી બન્યો છે. કાર્યકરો કહે છે કોઈ પણ પક્ષ હોય બુથ લેવલ સુધી કામ કરવું હોય અને કાર્યકરોને એક્ટીવ કરવા હોય તો પૈસાની જરૂર છે, પરંતુ નૈષધ દેસાઈના આ વીડિયો થકી તેઓ આડકતરી રીતે પૈસા ખર્ચશે નહીં તેવું કહી રહ્યા છે.