Get The App

પાલિતાણામાં ડોળી કામદારોની હડતાલનો અંત, પોઈન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત રહેશે

Updated: Mar 16th, 2025


Google News
Google News
પાલિતાણામાં ડોળી કામદારોની હડતાલનો અંત, પોઈન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત રહેશે 1 - image


- ધૂળેટીના પર્વે મળેલી બેઠકમાં સમાધાન, ડોળીથી યાત્રાનો પુનઃ પ્રારંભ

- યાત્રિકોને ડોળીવાળાઓની કનડગતની ઓનલાઈન ફરિયાદ કરી શકાશે, ક્યુઆર કોડ અને સંસ્થાના નામવાળા સ્ટીકર લગાવાયા

પાલિતાણા : જૈન તીર્થનગરી પાલિતાણામાં ચાલી રહેલી ડોળી કામદારોની અચોક્કસ મુદ્દતની હડતાલનો સુખદ અંત આવ્યો છે. ધૂળેટીના પર્વે મળેલી બેઠકમાં સમાધાન થતાં ડોળી કામદારો, તેડાગર બહેનો અને સામાન ઉંચકનાર તમામ લોકો પુનઃ કામ પર લાગી ગયા છે.

પાલિતાણાના શેત્રુંજય પર્વત પર અશક્ત યાત્રિકોને દર્શનાર્થે લઈ જવા-લાવવાનું કામ કરતા ડોળી કામદારોને અસામાજિક તત્ત્વોના ત્રાસ વધતા ડોળી યુનિયન ગ્રામ્ય-સિટી, પાલિતાણા દ્વારા ગત રવિવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવામાં આવી હતી. પોલીસ અને વહીવટી તંત્ર સાથેની વાટાઘાટો પડી ભાંગતા છ'ગાઉ યાત્રામાં પણ હડતાલનું ગ્રહણ લાગ્યું હતું અને અસંખ્ય અશક્ત યાત્રિકો છ'ગાઉ યાત્રાથી વંચિત રહ્યા હતા. દરમિયાનમાં મુંબઈ અને અમદાવાદના મહાસંઘોના છેલ્લા ૭૨ કલાકના અથાગ પ્રયાસો બાદ ગઈકાલે તા.૧૪-૩ને શુક્રવારે ધૂળેટીના પર્વે પાલિતાણાના દિનદયાળ બગીચામાં શેત્રુંજય યુવક મંડળના આગેવાનો, પાલિતાણા પીઆઈની હાજરીમાં ડોળી યુનિયનના હોદ્દેદારો સાથે મળેલી બેઠકમાં ૪૦૦ જેટલા ડોળી કામદારો, તેડાગર બહેનો, સામાન ઉંચકનારા લોકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં જૈન મહાસંઘો અને સરકારી તંત્રે હડતાલ આટોપી લેવાની અપીલ કરી ડોળી કામદારોને વિના વાંકે દરરોજ સવારે થતી તકલીફો દૂર કરવા અને ડોળી પોઈન્ટ ઉપર પોલીસ બંદોબસ્ત રાખવા ખાતરી અપાતા આખરે ડોળી યુનિયને હડતાલને ગઈકાલ શુક્રવારથી જ સમાપ્ત કરવાનો નિર્ણય લઈ શેત્રુંજય પર્વત પર ડોળીથી યાત્રાનો પુનઃ પ્રારંભ કરી દીધો હતો.

વધુમાં યાત્રા દરમિયાન 'યાત્રા મિત્ર' નામની ડોળીનો ઉપયોગ કરનાર યાત્રિકોને યાત્રા સમયે ડોળીવાળા તરફથી કોઈ કનડગત કરવામાં આવે તો તેની ઓનલાઈન ફરિયાદ કરી શકાશે. જેના આધારે ડોળી કામદાર સામે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. આવી ડોળીની પાછળ ક્યુઆર કોડ અને સંસ્થાઓના નામના સ્ટીકર પણ લગાવી દેવામાં આવ્યા હોવાનું મહાસંઘના પ્રવક્તાએ જણાવ્યું છે.

Tags :
Doli-workers-strike-ends-in-Palitanapolice-presence-at-points

Google News
Google News