વરાછામાં એક વર્ષની બાળા પર કુતરાનો હુમલો, આંખ ફાટી જતા 25 ટાંકા લેવા પડયા
- જમણી આંખમાં કોર્નીયા અને સ્કેલેરોમાં ગંભીર ઇજા : દોઢ મહિના બાદ ખબર પડશે કે બાળાની દ્રષ્ટી આવશે કે નહી
સુરત,:
સુરત શહેરમાંથી રખડતા કૂતરાઓનો આતંક લાંબા સમયથી યથાવત રહેવા પામ્યો છે. તેવા સમયે વરાછા વિસ્તારમાં ગુરુવારે બપોરે ઘર પાસે રમી રહેલી માત્ર ૧ વર્ષની બાળકી ઉપર કૂતરાએ હુમલો કર્યો હતો. જેથી તેની આંખ તથા હાથમાં ઇજા થતા સારવાર માટે નવી સિવિલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આંખમાં સર્જરી કરીને ૨૫ ટાંકા લેવામાં આવ્યા હતા.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ રાજસ્થાનમાં જાલોરનો વતની અને હાલમાં વરાછા ખાતે આદર્શનગરમાં રહેતા બગદારામ પ્રજાપતિની ૧ વર્ષીય પુત્રી લક્ષ્મી ગુરુવારે બપોર ઘર પાસે રમી રહી હતી.ત્યારે અચાનક રખડતા કૂતરાએ બાળકી ઉપર હુમલો કર્યો હતો.બાળકીની જમણી આંખ અને એક હાથના ભાગે પંજો માર્યા બાદ બંચકુ ભર્યુ હતુ. જેના લીધે બાળકી લોહી લુહાણ થઇને જોર જોરથી રડવા લાગી હતી. બાળકીનો અવાજ સાંભળીને તેની માતા સહિતના કેટલાક લોકો ત્યાં દોડી આવ્યા હતા.
બાળકીની એક આંખ અને હાથના ઈજા થતા પરિવારજનો તરત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈને દોડયા હતા. બાળાને વોર્ડમાં દાખલ કરી સારવાર શરૃ કરવામાં આવી છે. તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, બાળકીની જમણી આંખ ફાટી ગઈ હતી કે તેને કોર્નીયા અને સ્કેલેરોમાં ઇજા થઇ હતી. જેથી આંખ વિભાગના ડો. તૃપ્તીબેન શોલુના માર્ગ દર્શન હેઠળ આજે સવારે આંખના ડોક્ટરોની ટીમે બે કલાકનું ઓપરેશન કર્યું હતુું. અને બાળકીને આંખમાં અંદાજે ૨૫ ટાંકા લેવામાં આવ્યા છે. દોઢ થી બે માસ પછી ખબર પડશે કે બાળકીની દ્રષ્ટી આવશે કે નહી. હાલમાં તેને વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.
નોધનીય છે કે શહેરમાં રખડતા કુતરાઓ હુમલો કરી બચકા ભરી રહ્યા છે. જોકે આગાઉ ધણા માસ પહેલા ખજોદમાં ડાયમંડ બુર્સમાં બાળકી, ભેસ્તાનમાં બાળક સહિતના વ્યકિત કુતરા બંચકા ભર્યા બાદ મોતને ભેટયા હતા. આ સાથે અવાર નવાર કુતરાઓ દ્રારા બાળક સહિતના વ્યકિતઓ પર હુમલો કરવાનો યથાવત રહેતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.