Get The App

ભચાઉની કંપનીમાં મૃત્યુ પામેલી સગીરાના ખોટા આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવાયા

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
ભચાઉની કંપનીમાં મૃત્યુ પામેલી સગીરાના ખોટા આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવાયા 1 - image


મૃત્યુના ૨૫ દિવસ બાદ ૧૪ વર્ષની બાળકીની ઉમર ૧૮ વર્ષની થઈ ગઈ..!!

લેબર કોર્ટે પણ ૧૬.૯૭ લાખનું વળતર મંજૂર કર્યું, ઝારખંડ જઇ પોલીસે ફેર તપાસ કરતાં સમગ્ર ભોપાળું બહાર આવ્યું 

ગાંધીધામ: સમગ્ર ગુજરાતમાં નકલી કૌભાંડ ખૂબ ચાલી રહ્યું છે. હજુ હાલમાં જ નકલી ઈડીની ટિમને ઝડપી લેવાઈ છે. એ પહેલા પણ બોગસ આધારો બનાવી નોકરી મેળવવા સહિતના બનાવો બની ચૂક્યા છે. ત્યારે હવે વર્ષ ૨૦૨૩માં ભચાઉની ખાનગી કંપનીમાં ૧૪ વર્ષની એક બાળકી જે બાળમજૂરી કરી રહી હતી તે દબાઈ જવાના કારણે મૃત્યુ પામી હતી. ત્યારે કંપનીના મેનેજરે બાળકીના ખોટા આધારકાર્ડ સહિત અન્ય ડાક્યુમેન્ટ ઊભા કરી લેતા ૧૪ વર્ષની બાળકીના મૃત્યુના માત્ર ૨૫ દિવસમાં જ તેની ઉમર ૧૮ કરી દેવામાં આવી હતી. જે બનાવમાં લેબર કોર્ટ દ્વારા આ જ ખોટા આધારોના આધારે ૧૬.૯૭ લાખનું વળતર પણ મંજૂર કરી દેવામાં આવ્યું હતું. આ ગંભીર બનાવમાં પોલીસે કરેલી ફેર તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવતા કંપનીના મેનેજર અને મૃતક બાળકીના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. 

ભચાઉ તાલુકાના લુણવા ગામે નારાયણી કોક પ્રાઇવેટ લિમિટેડ (સદગુરુ ફ્યુઈન) નામની કંપની આવેલી છે. આ કંપનીમાં ૩૧-૧૦-૨૦૨૩ના રોજ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી ઝારખંડની માત્ર ૧૪ વર્ષની કાજલકુમારી ઘનશ્યામ ભુઈંયા પર એકાએક ભઠ્ઠાના પતરાંની છત તૂટી પડતાં તેની નીચે દબાઈને તેનું મૃત્યુ થયું હતું. કાજલ સાથે કામ કરતી ૨૨ વષય સુખીબેન અને ૨૩ વષય નુરમહંમદ અન્સારી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્રણેને સરકારી હોસ્પિટલે ખસેડાયાં હતાં. આ દુર્ઘટનામાં ફેક્ટરી માલિકની બેદરકારી સંદર્ભે મજૂરો રોષભેર ભચાઉ પોલીસ મથકે ધસી ગયાં હતાં અને મૃતક કાજલના પિતાએ તે સમયે હોસ્પિટલના રેકર્ડ પર દીકરીની ઊંમર ૧૪ વર્ષ દર્શાવી હતી. પોલીસે બનાવ અંગે અકસ્માત મોતનો રીપોર્ટ તૈયાર કર્યો હતો અને તેમાં અન્ય સહમજૂરોએ પણ કાજલની ઉંમર ૧૪ વર્ષની હોવાનું નિવેદનમાં લખાવ્યું હતું. દુર્ઘટનાના ૨૫માં દિવસે ૨૫-૧૧-૨૦૨૩ના રોજ ફેક્ટરીનો મેનેજર નીરજ છેદીલાલ મારોદીયા પોલીસ સ્ટેશને મરણ જનાર કાજલના આધારકાર્ડ, શાળા મૂલ્યાંકન પત્ર અને સોગંદનામા સાથે હાજર થયો હતો. દસ્તાવેજમાં જણાવ્યા મુજબ નીરજે દાવો કર્યો હતો કે કાજલની ઊંમર ૧૪ વર્ષ નહીં પરંતુ ૧૮ વર્ષ હતી. આધારકાર્ડ મુજબ કાજલની જન્મતારીખ ૦૩-૦૩-૨૦૦૫ હતી. દરમિયાન ભચાઉ પોલીસે કાજલની ઉંમર અંગેના વિરોધાભાસી દાવા અંગે કોઈ જ ખરાઈ કર્યાં વગર એક્સિડેન્ટલ રિપોર્ટ મંજૂર કરી દીધો હતો. જે બાદ પોલીસના રીપોર્ટના આધાર પર ગાંધીધામ લેબર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તેમાં મેનેજરે આપેલા પ્રમાણપત્રો રજૂ કરાયાં હતાં. કોર્ટે કાજલને પુખ્ત વયની ગણીને તેના માતા પિતાને ૧૬.૯૭ લાખનું વળતર ચૂકવવા હુકમ પણ કર્યો હતો. 

દરમિયાન ભુજના વ્હિસલ બ્લાઅરના કાને મૃતકની ઉંમર અંગે ખેલાયેલાં ખેલની વાત આવી હતી. અને તેણે ગાંધીધામ એસસી-એસટી સેલમાં આ બનાવ અંગે સઘન તપાસ કરવા રજૂઆત કરી હતી. એક પોલીસ કોન્સ્ટેબલને મરણ જનાર કાજલના વતન ઝારખંડમાં રૂબરૂ તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો. ઝારખંડની સ્થાનિક પોલીસની મદદ મેળવી તપાસ કરતાં નવો ઘટસ્ફોટ થયો છે. જેમાં પોલીસે કરેલી ફેરતપાસમાં બહાર આવ્યું કે મરણ જનાર કાજલે ૧૭-૦૪-૨૦૧૫માં પહેલાં ધોરણમાં પ્રવેશ મેળવ્યો ત્યારે તેમાં તેની જન્મતારીખ ૦૩-૦૩-૨૦૦૯ દર્શાવાઈ હતી. આધારકાર્ડના આધારે શાળાએ પ્રવેશ આપ્યો હતો. કાજલે આ શાળામાં ધોરણ ૮ સુધી અભ્યાસ કર્યો અને પછી માતા પિતા સાથે મજૂરી કરવા અભ્યાસ છોડી દીધો હતો. દરમિયાન કંપનીના મેનેજરે જે આધાર કાર્ડ અને શાળા મૂલ્યાંકન પત્ર રજૂ કરેલાં તે નકલી હતાં. સોગંદનામું પણ ખોટું હતું. 

હકીકતમાં મૃત્યુ સમયે કાજલની ઊંમર ૧૪ વર્ષ અને ૭ માસ હતી પરંતુ આરોપીઓએ એકમેક સાથે મિલિભગત આચરીને નકલી આધાર કાર્ડ બનાવી તેમાં જન્મ વર્ષ ૨૦૦૯ના બદલે. ૨૦૦૫ દર્શાવ્યું હતું જેથી પોલીસે ખોટાં પ્રમાણપત્રોને સાચા તરીકે રજૂ કરી સરકારી તંત્રોને ગેરમાર્ગે દોરવા બદલ કાજલના પિતા ઘનશ્યામ, માતા કલમતીદેવી અને મેનેજર નીરજ મારોદીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. 


Google NewsGoogle News