Get The App

પરીક્ષા સ્થળની આસપાસના વિસ્તારમાં ડીજે અને લાઉડ સ્પિકર ઉપર પ્રતિબંધ

Updated: Feb 17th, 2025

GS TEAM


Google News
Google News
પરીક્ષા સ્થળની આસપાસના વિસ્તારમાં ડીજે અને લાઉડ સ્પિકર ઉપર પ્રતિબંધ 1 - image


શાંતિપુર્ણરીતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે જાહેરનામું

સ્કૂલની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલી ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા આદેશઃજાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ધોરણ ૧૦,ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓ યોજાનારી છે ત્યારે  આ દિવસો દરમ્યાન ઝઘડા-તકરાર ન થાય, નાહકનો ઘોંઘાટ ના થાય એ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરીને જાહેરમાં વગાડવામાં આવતા ડીજે સિસ્ટમ, માઇક, લાઉડ સ્પીકર સહિતની બાબતો ઉપર પ્રતિબંધો મુક્યા છે.ઉપરાંત ઝેરોક્ષ મશીનો પણ સ્કૂલ કે પરીક્ષા સ્થળની નજીકના વિસ્તારમાં ચાલુ ન હોય તે માટે પણ જાહેરનામું બહાર પડાયું છે.

આ અંગે ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ મેહુલ દવેએ જાહેરનામું બહાર પાડીને પરીક્ષા સ્થળ તથા તેની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો લાદ્યા છે.જાહેરનામા પ્રમાણેપરીક્ષા સ્થળની આસપાસમાં માઇક, લાઉડ સ્પીકર તથા ડીજે સીસ્ટમનો ઉપયોગ કરી શકાશે નહીં. ડીજે સીસ્ટમ અંગે સુપ્રીમ કોર્ટના વખતો વખતના ચુકાદા, તેમજ આ અંગેના કાયદાઓનું પાલન કરવાનું રહેશે. વરઘોડો, રેલી કે ધામક-સામાજિક-રાજકીય શોભાયાત્રામાં કોઇ શરતોનો ભંગ થાય કે અઇચ્છનિય ઘટના બને તો સંપૂર્ણ જવાબદારી પરવાનગી લેનારની રહેશે. ધામક સ્થળોએ માઇક સિસ્ટમ, વાંજિંત્રનો ઉપયોગ સંકુલની હદ બહાર ન જાય એ રીતે મર્યાદિત હોવો જોઇએ.

આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ કેન્દ્રો કે દૂકાનો બંધ રાખવા પણ ફરમાન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રોમાં કોઇ પણ પ્રકારના હથિયાર લઇને જઇ શકાશે નહીં, પરીક્ષા સ્થળે ચોરી કરવાના હેતુથી કાપલી, નકલ કે ઝેરોક્ષ લઇ જવા ઉપર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રો પાસે ચારથી વધુ વ્યક્તિઓને ભાગ થવા ઉપર પણ રોક લગાવવામાં આવી છે. જાહેર વાહન વ્યવહાર અવરોધ થાય તે રીતે વાહન પાર્ક કરવું નહીં કે હંકારવું નહીં.આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

પરીક્ષાર્થીઓ કે સુપરવાઇઝર સ્માર્ટવોચ પહેરી શકશે નહીં

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૨૭મીથી ધો.૧૦ અને ધો.૧૨ની પરિક્ષા લેવામાં આવનાર છે. જીવનની કારકિર્દી માટેની મહત્વની આ પરીક્ષા વિદ્યાર્થીઓ શાંતિપુર્ણ અને સ્વસ્થ્ય વાતાવરણમાં આપી શકે તે માટે જિલ્લા વિહવટી તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડીને કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જે અંતર્ગત ઇલેક્ટ્રીક આઇટમ જેવી કે, મોબાઇલ ફોન, પેજર, ઇલેક્ટ્રીક ડાયરી, સ્માર્ટ વોચ કે અન્ય ઉપકરણો સાથે પરીક્ષા સ્થળમાં દાખલ તવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પરીક્ષાખંડમાં ગેરરીતી અટકાવવા માટે મોબાઇલ ફોનની સાથે સ્માર્ટ વોચ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી પરિક્ષાર્થીઓની સાથે ખંડનિરીક્ષકો પણ તેનો ઉપયોગ કરી શકશે નહીં.

Tags :