'પાછો પડું તો જણનારીનું ધાવણ લાજે...', ભાજપ MLA કેશાજીનો ગુજરાત સરકાર સામે બળવો
BJP MLA Protest: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી સરકાર ભેખડે ભરાઇ છે. દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ વિવાદ હજુ વધુને વધુ વકરે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે જ ભાજપ સરકાર સામે બાંયો ચડાવી ઓગડ જિલ્લો બનાવવાની માંગ સાથે એવું એલાન કર્યુ છે કે, ઓગડજીની ધરતીને ગૌરવ મળે તે જરૂરી છે. હવે જો હું પાછો પડુ તો જણનારીનું ધાવણ લાજે. ઓગડ જિલ્લો બનાવવા સરકાર સામે છેલ્લી ઘડી સુધી લડત લડીશું.'
બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે દિયોદર ધારાસભ્યનો ખુલ્લો વિરોધ
બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ બનાસકાંઠામાં સ્થાનિકોમાં અસંતોષનો ચરું ઉકળ્યો છે. શિહોરી, કાંકરેજ, ધાનેરા ઉપરાંત દિયોદરમાં બાઈક રેલીથી માંડીને ધરણાં યોજી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ વિરોધને શાંત પાડવામાં ભાજપની સ્થાનિક-પ્રદેશ નેતાગીરી નિષ્ફળ નિવડી છે. વાવ-થરાદ જિલ્લાનું નામ ઓગડ જિલ્લો રાખવા સ્થાનિકો માંગ કરી રહ્યાં છે ત્યારે આ લડતમાં હવે ખુદ ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે એન્ટ્રી કરી છે.
ધારાસભ્ય કેશાજી ચૌહાણે ઓગડ જિલ્લો બનાવવાની માંગ બુલંદ કરતાં કહ્યું કે,'મારા મત વિસ્તારની જનતાની વાત સાંભળવી એ મારું કર્તવ્ય છે. ઓગડ જિલ્લો બનાવવા સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે. ઓગડજીની આ ધરતી પવિત્ર ધરતી છે. સત્ય કભી પરાજીત નહી હોતા. વિજય માત્ર ઓગડજીની ધરતીનો જ થશે. ઓગડજીની ધરતીને ગૌરવ મળે. હવે જો હું પાછો પડું તો જણનારીનું ધાવણ લાજે.'
ખુદ કેશાજી ચૌહાણે જ લોકોને ઓગડ જિલ્લો ન બને ત્યાં સુધી લડત જારી રાખવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઓગડ જિલ્લો બનાવવાની માંગ તો કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર પણ કરી ચૂક્યાં છે. હવે ભાજપના ધારાસભ્ય પણ વિપક્ષની ભૂમિકામાં છે ત્યારે સરકાર પણ ચિંતાતુર બની છે. જો કે, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં એક માત્ર વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જ ખુશ છે. પણ બીજી તરફ, કેશાજી ચૌહાણે બગાવતી સૂર છેડતાં મામલો વધુ પેચીદો બન્યો છે. હવે સરકારને આ મામલે ફેર વિચારણા કરવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે કેમકે, પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપને બનાસકાંઠાવાસીઓના વિરોધનો સામનો કરવો પડી શકે છે. અત્યારે તો સરકાર માટે બકરું કાઢતાં ઉંટ પેઠુ હોય તેવી દશા થઇ છે.
વિભાજનના પડઘાં અમદાવાદમાં પડ્યાં, થરાદ જિલ્લો નહીં સ્વીકારાય
બનાસકાંઠા જિલ્લા વિભાજના પડઘા છેક અમદાવાદમાં પડ્યાં છે. ધાનેરાના સ્થાનિકોએ અમદાવાદ કલેક્ટર કચેરીએ જઇને વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટરને આવેદન પત્ર પાઠવી એવી રજૂઆત કરવામાં આવીકે,કોઇપણ સંજોગોમાં થરાદ જિલ્લા નહીં સ્વિકારાય. થરાદમાં મેડિકલ અને શિક્ષણની સુવિધાઓના ભારોભાર અભાવ છે. આ સ્થિતીમાં જિલ્લા વિભાજન થશે તો પરિસ્થિતી વધુ વણસી શકે છે. સ્થાનિકો સરકારી સહાયથી વંચિત રહી જશે. થરાદ જિલ્લામાં ધાનેરાને સમાવવો હોય તો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે.