લગ્નના 1 જ વર્ષ બાદ છૂટાછેડા બાદ ફરીથી લગ્ન કર્યા છતાં ત્રાસ મળ્યો
રાજકોટની શિક્ષિત મહિલાની સાસરીયાઓ સામે ફરિયાદ : બપોરે જમીને સુવાની ટેવને કારણે સાસુ ઝઘડા કરતા : પતિ કોઈના મેસેજ આવે તો શંકા કરી મોબાઈલ ચેક કરતો
રાજકોટ, : હાલ માવતરને ત્યાં રહેતી નેન્સીબેન નામની 41 વર્ષની પરીણીતાએ પતિ હેમંત (રહે. ઈન્દ્રપ્રસ્થનગર, આલાપ ગ્રીન સિટી પાછળ, રૈયા રોડ), સસરા હરિદાનભાઈ પ્રભુદાનભાઈ લાંગા, સાસુ પ્રવિણાબેન અને દિયર વિજય (રહે. ત્રણેય લાભદિપ સોસાયટી, ગાંધીગ્રામ) વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં નેન્સીબેને જણાવ્યું છે કે તે સ્પોકન ઈંગ્લીશના કલાસીસમાં નોકરી કરે છે. ગઈ તા. 14-2-2002ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા. તેની અને પતિની જ્ઞાતિ અલગ-અલગ છે. પતિ ગાળો અને માનસિક ત્રાસ આપતો હોવાથી 1 જ વર્ષ બાદ એટલે કે ગઈ તા. 14-2-20023ના રોજ છૂટાછેડા લઈ લીધા હતા. બાદમાં પતિએ ગાળો અને ત્રાસ નહીં આપું તેમ કહેતા ગઈ તા. 30-9-2003ના રોજ ફરીથી તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સંયુકત કુટુંબમાં રહેતી હતી. 6 માસ બાદ પતિ સાથે અલગ રહેવા ગઈ હતી. સંતાનમાં પુત્રની પ્રાપ્તી થઈ હતી. જે હાલ 11 વર્ષનો છે. પતિ પંજાબ નેશનલ બેન્કમાં કલાર્ક તરીકે નોકરી કરે છે. લગ્ન બાદ જયારે સંયુકત કુટુંબમાં રહેતી ત્યારે બપોરે જમીને સુવાની ટેવ હતી. જે બાબતે સાસુ ઝઘડો કરતા હતા. પતિ સાંજે ઘરે આવે તો સાસુ તેની સાથે બેસવા દેતાં નહીં. ઘરનું તમામ કામ પણ તેની પાસે કરાવતાં હતા. સરખુ જમવા દેતાં નહીં. પતિને તેના વિરૂધ્ધ ચડામણી કરતા હતા. જેને કારણે છએક માસ પછી જ પતિ સાથે અલગ રહેવા ગઈ હતી.
જયાં પતિ આખો દિવસ નોકરી પર જતો રહ્યા બાદ પાછળથી તે ઘરે એકલી રહેતી હતી. પતિ ઘરખર્ચ પણ આપતો ન હોવાથી તેણે ખાનગી સ્કૂલમાં નોકરી શરૂ કરી હતી. તેનો પગાર પતિ લઈ લેતો હતો. કોઈ સ્ટાફમાંથી કે સ્ટુડન્ટનો મેસેજ આવે તો પતિ ખોટી શંકા કરી મોબાઈલ ચેક કરતો હતો. એટલું જ નહીં મારકુટ પણ કરતો હતો. નોકરી પર પણ જવા દેતો નહીં. પુત્રનો જન્મ થયો ત્યારે પણ પતિએ ખોટી શંકા કરી આ પુત્ર મારો નથી તેમ કહી દીધું હતું.