દિવ, નલિયા 10 સે.નીચે, રાજકોટ, જુનાગઢ, કેશોદમાં 10 સે., સોમવારે માવઠાંની આગાહી

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
દિવ, નલિયા 10 સે.નીચે,  રાજકોટ, જુનાગઢ, કેશોદમાં 10  સે., સોમવારે માવઠાંની આગાહી 1 - image


ગુજરાતમાં તા. 18 સુધી ઠંડી સામાન્ય કરતા ઓછી રહેશે : મધ્ય શિયાળે પણ મિશ્ર ઋતુ, સવાર- બપોરના તાપમાન વચ્ચે 15થી 20 સે.નો ફરક! વાયરલ રોગચાળો બેકાબુ 

 રાજકોટ, : સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે એક તરફ દિવમાં 9.7 અને નલિયામાં 9 સે. સાથે પારો 10 સે.નીચે ઉતર્યો હતો તો રાજકોટ, કેશોદ અને જુનાગઢમાં 10 સે.સાથે રાજ્યમાં આજે કડકડતી ઠંડી સવારે અનુભવાઈ હતી. બીજી તરફ હવામાનમાં ફરી પલટો આવી રહ્યો છે જેના પગલે કાલથી ઠંડીમાં ઘટાડો થવાની અને સોમવારે સૌરાષટ્રના સુરેન્દ્રનગર સહિત વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાંની આગાહી આજે જારી કરાઈ છે. 

આજે ગીરનાર પર્વત પર 5 સે.તાપમાને ઠંડોગાર બની ગયો હતો. રાજકોટ,જુનાગઢ, કેશોદ અને કચ્છના નલિયા તથા વેરાવળ પાસે દિવમાં કડકડતી ઠંડી સાથે અમરેલી,ભૂજ,કંડલા એરપોર્ટ ઉપર 11, સુરેન્દ્રનગર 12.7, મહુવા 12.5, પોરબંદર 12.6, ભાવનગર 13.9, દ્વારકામાં પણ 15.4 સે. સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં સવારે કડકડતી ટાઢ અનુભવાઈ હતી. જ્યારે બપોરનું તાપમાન સરેરાશ 29 સે.આસપાસ રહ્યું હતું. 

આમ, મધ્ય શિયાળો હોવા છતાં હાલ દિવસ ભર કાતિલ કે કડકડતી ઠંડીને બદલે મિશ્ર હવામાન રહે છે અને તેની અસરથી ઝડપથી સાજા નથી થતા તેવા વાયરલ શરદી,ઉધરસ, તાવ સહિતનો રોગચાળો બેકાબુ રીતે પ્રસરી રહ્યો છે.  બીજી તરફ મૌસમ વિભાગના પૂર્વાનુમાન મૂજબ આગામી તા. 18 સુધી ગુજરાતનું તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહેવાની એટલે કે કોલ્ડવેવ આવવાની શક્યતા નથી. 


Google NewsGoogle News