મુંબઈ રત્નાગીરીના દરિયામાં દીવની ફિશિંગ બોટમાં આગ લાગતા ખાખ
સલાયાનું વહાણમાં કરાંચી નજીક ડૂબી જવાની ઘટના બાદ નવી ઘટના
મશીન રૂમમાં શોક સરકીટ થવાની સાથે ડિઝલ પાઈપ ફાટી જવાથી બોટ અગનગોળો બની દરિયામાં જ નાશ પામી, ટંડેલ સહિત પાંચ ખલાસીઓને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા
બનાવની વધુ વિગત મુજબ દીવના સાઉદવાડીના મહિલા બોટ માલિક જીવીબેન કરશનભાઈ બામણિયાની' રાધેશ્યામ 'નામની બોટ માછીમારી માટે મુંબઈના દરિયામાં પહોંચી હતી એ વખતે મુંબઈ રત્નાગીરી સમુદ્રમાં માછીમારી ચાલતી હતી એ વખતે જ બોટમાં કોઈ કારણસર શોકસરકીટ થવાની સાથે જોગાનુંજોગ ડીઝલની પાઈપ પણ ફાટી જતાં આખી બોટમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગ પ્રસરી ગઈ હતી. આ ઘટના બનતા બોટ માલિકે ફિશરિઝ વિભાગના અધિકારી શુકર આંજણીને કરતા તેઓએ પરિસ્થિતિ પામી જઈને કોસ્ટગાર્ડને જાણ કરી મદદે પહોંચવા કહ્યું હતુુ. જો કે કોસ્ટગાર્ડ ઘટનાસ્થળે બચાવમાં પહોચે એ પહેલા ફિશિંગ બોટ અગનગોળો બનીને આગમાં રાખ થઈ ગઈ હતી. આ વખતે બોટમાં રહેલા ટંડેલ આકાશ છગન જેઠવા અને પાંચ ખલાસીઓ મુકેશ ભીમા, રમેશ ભીમા, અજય રમેશ, બીતેશ કુમાર જમશુભાઈ ,ડાયાભાઈ બામણીયા,ના જીવ જોખમમાં મૂકાયા હતા. એ વખતે દરિયામાં રહેલી 'કુળદેવી કૃપા 'નામની અન્ય બોટે રેસ્ક્યુ માટે પહોંચી જઈ તમામ ખલાસીઓને બચાવી લીધા હતા. આ બાબતની જાણ ફિશરિઝ અધિકારીએ દીવના કલેકટરને કરી છે.