રેલવે ટિકિટની કાળાબજારીના કેસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટે શખ્સની અપીલ ફગાવી
રેલવે કોર્ટે છ માસની કેદ અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો
રાધામોહન એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સ સામે સજાની અમલવારી માટેનું વોરંટ પણ ઈસ્યુ કરાયું
આ અંગે જાણવા મળ્યા મુજબ શહેરના વાઘાવાડી રોડ, રાધધામોહન એપાર્ટમેન્ટમાં રહેતો ઉમેશ મહેશભાઈ ઓઝા નામના શખ્સની સામે ટ્રેનની ઓનલાઈન ટિકિટનો કાળાબજાર કરવા બદલ આરપીએફ દ્વારા રેલવે એક્ટની કલમ ૧૪૩ (એ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ રેલવે કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા અને દલીલોને ધ્યાને લઈ ઉમેશ ઓઝા સામે ફરિયાદ સાબિત થતાં રેલવે કોર્ટે શખ્સને તકસીરવાન ઠેરવી રેલવે એક્ટની કલમ ૧૪૩ (એ) હેઠળ ગુનાના કામે છ માસ સાદી કેદની સજા, રૂા.૧૦,૦૦૦નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ૩૦ દિવસ સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો. તેની સામે આરોપી ઉમેશ ઓઝાએ સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરતા સરકાર પક્ષે રેલવે પ્રોટેક્શન ફોર્સ વતી જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ આર. જોષીએ હાજર રહી અસરકારક દલીલો કરી હતી અને કોર્ટે કાયદા મુજબ રેલવે પોલીસ રૂબરૂનું નિવેદન પુરાવામાં ગ્રાહ્ય છે, તેમજ રેલવે ઓફિસર રૂબરૂ આરોપીએ ગુનાની કબૂલાત કરવામાં આવી છે. માટે રેલવે કોર્ટ દ્વારા જે પુરાવો માનવામાં આવે છે, તે યોગ્ય છે તેવી દલીલ કરતા ભવાનગરના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ એચ.એસ.મુલિયાએ રેલવે કોર્ટ દ્વારા કરવામાં આવેલા સજા અને દંડના હુકમને કાયમ રાખ્યો હતો. તદ્દુપરાંત સજાની સુનવણી સમયે આરોપી ઉમેશ ઓઝા કોર્ટ સમક્ષ હાજર રહ્યો ન હોય, તેની સામે સજાની અમલવારી માટેનું વોરંટ ઈન્સ્યુ કરવામાં આવ્યું છે.