સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહિવટદાર તરીકે જિલ્લા કલેકટરે ચાર્જ સંભાળ્યો
આગામી દિવસોમાં મ્યુ.કમિશનર અને ડે. કમિશનર તેમજ ચીફ ઓફિસર પણ ચાર્જ સંભાળશે
અધિકારીઓ સાથે બેઠક યોજી નવા સિમાંકન, પ્રાથમિક સુવિધાઓ, ટેક્ષનું માળખું સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરી
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ બીજે દિવસે બપોરે જિલ્લા કલેકટરે વહિવટદાર તરીકેનો ચાર્જ સંભાળી અધિકારીઓ કર્મચારીઓ સાથે બેઠક યોજી આગામી આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી. આગામી દિવસોમાં મ્યુ.કમિશનર અને ડે. કમિશનર તેમજ ચીફ ઓફિસર પણ ચાર્જ સંભાળશે.
રાજ્ય સરકારે નવા વર્ષના પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગરવાસીઓને નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેની જાહેરાત કરી સત્તાવાર નોટિફિકેશન પાઠવવામાં આવ્યું છે. મહાનગરપાલિકા જાહેર થતાં જ રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર તરીકે ભાવનગરના ડીડીઓ જી.એસ.સોલંકીને નિમણૂક કરવામાં આવી છે. અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે એ.આર.ચાવડાની નિમણૂક કરવામાં આવી છે અને મહાનગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે એસ.કે.કટારાની નિમણૂક કરાવામાં આવી છે. મહાનગરપાલિકા જાહેર થયાના બીજે દિવસે જિલ્લા કલેકટર કે.સી.સંપટે પાલિકા કચેરી આવી નિયમ મુજબ વહિવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ પાલિકાના ચીફ ઓફીસર, એન્જીનીયર, અધિકારીઓ, કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. કલેક્ટરે મહાનગરપાલિકા જાહેર થયા બાદ નવા મિમાંકન, રોડ, ટેક્ષનું માળખું, રસ્તા, સફાઈ સહિતના કામો, આગામી આયોજન વિશે ચર્ચા વિચારણા કરી હતી. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ચાર્જ સંભાળશે.
તાલુકા પંચાયતના હોદ્દેદારોએ છાનાખુણે બેઠકો ભરી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થયા બાદ પાંચ ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. વઢવાણ તાલુકા પંચાયત હેઠળ આવતા ગામો પણ મહાનગરપાલિકામાં સમાવેશ થશે કે કેમ ? સહિતની ચર્ચાઓએ જોર પકડયું છે અને વઢવાણ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ આ મામલે છાનાખુણે બેઠકોનો દોર શરૂ કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.