Get The App

હવે જિલ્લા બેન્કોની લોન લેનારા ખેડૂતો જમીન પરનો બોજ ઈ-ધરા પર નોંધાવી શકશે

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
હવે જિલ્લા બેન્કોની લોન લેનારા ખેડૂતો જમીન પરનો બોજ ઈ-ધરા પર નોંધાવી શકશે 1 - image


Agriculture News : જિલ્લા સહકારી બેન્કોમાંથી કૃષિ ધિરાણ લેનારા ખેડૂતોની જમીન પર બોજો ઊભો કરવાની અને લોનની ચૂકવણી કરી દીધા બાદ બોજ કમી કરી દેવાની કામગીરી હવે જિલ્લા સહકારી બેન્કો જ કરી દેશે. અત્યાર સુધી જિલ્લા સહકારી બેન્કે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના માધ્યમથી જ ખેડૂતોને ધિરાણ આપતી હતી. હવે ધિરાણ આપવાની પ્રક્રિયા પહેલાની માફક જ રહેશે, પરંતુ ધિરાણ લેનાર ખેડૂતની જમીન પરનો બોજો પાડવાની કામગીરી જિલ્લા સહકારી બેન્કો કરશે.

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગને ચોથી જાન્યુઆરીએ અંગે એક પરિપત્ર કર્યો છે. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ ઇ-ધરાના પોર્ટલ પર ખેડૂતની જમીન પર બોજો ઊભો કરવાની કે બોજો કમી કરવાની કામગીરી જિલ્લા સહકારી બેન્કો કરી શકે તે માટે તેમને સુપર એડમિન તરીકે નો પાસવર્ડ આપવામાં આવશે. આ પાસવર્ડનો ઉપયોગ કરીને જ જિલ્લા સહકારી બેન્કના નિયુક્ત થયેલા અધિકારી ઇ-ધરાના જમીનની માલિકીના રેકોર્ડમાં જઈને જે તે ખેડૂતની જમીન પર લોન લેવામાં આવી હોવાથી બોજો નાખવાની નોંધ મૂકી શકશે. આ જ રીતે લોન ચૂકવાઈ ગયા પછી બોજો હટાવી લેવાની નોંધ પણ મૂકવામાં આવશે.

વર્તમાન વ્યવસ્થા હેઠળ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના માધ્યમથી ખેડૂતો જિલ્લા સહકારી બેન્કમાંથી લોન મેળવવાની અરજી કરે છે. જિલ્લા સહકારી બેન્કો પ્રાથમિક કૃષિ સહકારી મંડળીની તમામ અરજીઓ એક સામટી પ્રોસેસ કરીને તેમને લોન આપવાનો નિર્ણય લે છે. તેમને લોન  આપવાનો નિર્ણય લીધા પછી નાણાં કૃષિ સહકારી મંડળીને પહોંચાડવામાં આવતા હતા. 

આ નાણાં કૃષિ સહકારી મંડળીને પહોંચે તે પહેલા મંડળીના અધિકારીઓએ ઇ-ધરાના પોર્ટલમાં જઈને ફોર્મ નંબર - 6 એટલે કે ગામ નમૂના-6નું ફોર્મ ભરીને તેના પર પ્રાથમિક સહકારી મંડળીએ લોન આપી હોવાથી તેનો બોજો ક્રિયેટ કરે છે. હવે આ બોજો ક્રિયેટ કરવાની કામગીરી જિલ્લા સહકારી બેન્કો જ કરશે. તેને માટે જિલ્લા સહકારી બેન્કોને અલગથી પાસવર્ડ આપવામાં આવશે, એમ પરિપત્રની વાત કરતાં ખેડા જિલ્લા સહકારી બેન્કના એસ્ટાબ્લિશમેન્ટ વિભાગના જુનિયર ઇન્ચાર્જ સુજલ પટેલનું કહેવું છે. આ સંદર્ભમાં અગાઉ કરવામાં આવેલા ઠરાવો અને આનુષાંગીક ઠરાવો મારફતે કરવામાં આવેલી જોગવાઈ પૂર્વવત અમલમાં રહેશે.

હા, તેને માટે પ્રાથમિક કૃષિ સહકારી મંડળી પાસેથી ઓથોરાઈઝેશન જિલ્લા સહકારી બેન્કોએ મેળવવું પડશે, લોન આપતા બોજો દાખલ કરનારી જિલ્લા સહકારી બેન્કે જ લોનની ચૂકવણી થઈ ગયા પછી બોજો કમી કરી દેવાની જવાબદારી પણ જિલ્લા સહકારી બેન્કની જ રહેશે. જિલ્લા સહકારી બેન્કોએ ખેડૂતોને ધિરાણ આપવાની કામગીરી સરળ બને તે હેતુથી ગામ નમૂના-6ના ફોર્મ ભરીને બોજો પાડવાની અને બોજો કમી કરવાની સત્તા પોતાને આપવાની માગણી કરી હતી. સરકરે તેમની આ માગણીને ગ્રાહ્ય રાખી છે.


Google NewsGoogle News