લાલપુરના ગોવાણા ગામમાં ખેતરમાં પાણી ઢોળવાના પ્રશ્ન બે પિતરાઈ ભાઈઓ વચ્ચે તકરાર : ચાર વ્યક્તિ ઘાયલ
Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ખેતરમાં પાણી ઢોળવાના પ્રશ્ને બે પિતરાઈ ભાઈઓના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો, અને સામ સામે હુમલામાં બંને પક્ષે એક મહિલા સહિત ચાર વ્યક્તિ ઘાયલ થઈ છે. જે મામલે લાલપુર પોલીસ મથકમાં બંને પક્ષની સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
પ્રથમ બનાવવામાં ભાવેશ સાજણભાઈ કરંગીયા નામના 24 વર્ષના ખેડૂત યુવાને ખેતરમાં પાણી ઢોળવાના પ્રશ્ને પોતાની બાજુમાં જ વાડી ધરાવતા પોતાના પિતરાઈ ભાઈ ગોવિંદભાઈ રણભાઈ કરંગીયા તેમજ કાકા રમણભાઈ મેપાભાઇ કરંગીયા સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં બન્ને હુમલાખોર પિતા પુત્રએ પોતાના ઉપર ખરપિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાથી માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા છે, તેવી જાહેરાત કરી હતી. ઉપરાંત પોતાની માતા અમરીબેનને પણ લાકડાના ધોકા વડે માર માર્યાનું જાહેર કર્યું હતું. જે મામલે પોલીસ દ્વારા આરોપી ગોવિંદભાઈ અને તેના પિતા સામે હુમલા અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઉપરાંત સામા પક્ષે પણ ગોવિંદભાઈ રણમલભાઈ કરંગીયાએ પોતાના પિતરાઈભાઈ ભાવેશ સાજણભાઈ કરંગીયા સામે પોતાને મારમારી ખરપિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી છે. જે ઇજામાં પોતાને પણ પાંચ ટાંકા લેવા પડ્યા છે. ઉપરાંત પોતાના પિતા રણમલભાઈને પણ માર માર્યો હોવાનું જાહેર કર્યું છે. સમગ્ર બનાવ અંગે બંને પક્ષની સામ-સામે ફરિયાદ નોંધી છે. લાલપુર પોલીસ વધુ તપાસ ચલાવી રહ્યા છે.