ધ્રોલમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : સામસામે હુમલામાં બે મહિલા સહિત ચારને ઇજા
Jamnagar Crime : જામનગર જિલ્લાના ધ્રોળમાં રજવી સોસાયટીમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને સામસામા હુમલા કરાયા હતા. જેમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિ ઘાયલ થઈ છે. જે મામલે બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
ધ્રોલમાં રજવી સોસાયટી ફૂલવાડી રોડ પર રહેતા યુસુફભાઈ હારુનભાઈ જુણેજા નામના 50 વર્ષના પ્રૌઢે પોતાના ઉપર તેમજ પોતાના પત્ની જરીનાબેન ઉપર લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા રહેમાનખાન લોદીન તેમજ તેની પુત્રી સાનિયા રહેમાનખાન લોદિન સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે પતિ-પત્ની બંનેને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.
આ ઉપરાંત સામા પક્ષે સાનિયાબેન રહેમાન ખાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા ઉપર હુમલો કરવા અંગે પાડોશી યુસુફભાઈ હારુનભાઈ જુણેજા અને તેના પત્ની ઝરીનાબેન જુણેજા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં પિતા-પુત્રીને ઈજા થઈ હોવાથી તેઓને પણ પ્રાથમિક સારવાર અપાઈ છે. પોલિસે બંને પક્ષની સામ સામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.