Get The App

સરકારી યુનિવર્સિટીઓમાં વીસીની નિમણૂકની પ્રક્રિયામાં વિસંગતતાઓ

Updated: Feb 16th, 2025

GS TEAM


Google News
Google News
સરકારી યુનિવર્સિટીઓમાં વીસીની નિમણૂકની પ્રક્રિયામાં વિસંગતતાઓ 1 - image

વડોદરાઃ રાજ્ય સરકારે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન યુનિવર્સિટી એકટ લાગુ પાડયો છે.જેના ભાગરુપે યુનિવર્સિટીઓમાં એક સરખા નિયમો પણ લાગુ કરાયા છે.જોકે કોમન એકટ લાગુ થયાના ગણતરીના મહિનાઓમાં જ આ એકટના પાલન પર સવાલો ઉભા થવા માંડયા છે.

મળતી વિગતો પ્રમાણે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વાઈસ ચાન્સેલરની નિમણૂકની પ્રક્રિયામાં અલગ અલગ ધારાધોરણો જોવા મળી રહ્યા છે.જેના પગલે યુનિવર્સિટીઓ સરકારના કોમન એકટને ઘોળીને પી ગઈ છે કે પછી સરકારના શિક્ષણ વિભાગના તેમાં આશીર્વાદ છે તેવો સવાલ પણ શૈક્ષણિક આલમમાં ચર્ચાઈ રહ્યો છે.

એમ.એસ.યુનિવર્સિટીમાં નવા વાઈસ ચાન્સેલરની નિમણૂકની કાર્યવાહીના ભાગરુપે તા.૧૨ ડિસેમ્બરે નોટિફિકેશન જાહેર કરીને તા.૨ જાન્યુઆરી સુધી અને  ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ૧૩ ફેબુ્રઆરીએ નોટિફિકેશન બહાર પાડીને ઉેમદવારોને બાયોડેટા મોકલવા માટે તા.૭ માર્ચ સુધીનો એમ ૨૧ દિવસનો સમય આપ્યો હતો.તેની સામે ગોધરાની ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની નિમણૂક માટે તા.૧૪ ફેબુ્રઆરીએ જાહેરનામુ બહાર પાડીને ઉમેદવારોને બાયોડેટા મોકલવા માટે આઠ જ દિવસનો સમય આપવામાં આવ્યો છે.આ પ્રકારની વિસંગતતાને લઈને અધ્યાપક આલમમાં ગણગણાટ છે.

અત્યારે એમ.એસ.યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટી ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરથી ચાલી રહી છે.જ્યારે ગોધરાની યુનિવર્સિટીમાં પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ ૨૦૧૮થી વાઈસ ચાન્સેલર છે અને તેમની બે ટર્મ પૂરી થઈ ચૂકી છે.

Tags :