વડોદરામાં રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક અપ કરવામાં દિવ્યાંગો-સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલી
Vadodara : : રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક અપ કરવા સરકારે કરેલી જાહેરાત મુજબ જૂની કલેકટર કચેરીએ ચાલતી કામગીરીમાં દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો માટે અલગથી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. ઉપરાંત ટોકન સહીત અન્ય બાબતે તથા પીવાના પાણી માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ટોકન માત્ર સવારે જ અપાતા હોવાથી દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને આ બાબતે ધરમ ધક્કા ખાઈને પરત જવું પડે છે. જેથી દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોકે તેમના વિસ્તારની સસ્તા અનાજની દુકાનો કાયમ બંધ રહેતી હોય છે અને ભાગ્યે જ ક્યારેક ખુલતી હોવાના આક્ષેપો થયા છે.
ઉલ્લેખનીય છે કે સરકારી અનાજ સહિત વિવિધ સરકારી સ્કીમોનો લાભ મેળવવા માટે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક અપ કરવા માટે સરકાર દ્વારા ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. પરંતુ આ બાબતે માત્ર જુની કલેકટર કચેરી ખાતેના જર્જરિત મકાનમાં કામગીરી ચાલે છે. આ મકાન બહાર અરજદારો માટે કોઈ સૂચનાનું બોર્ડ મૂકવામાં આવ્યું નથી. પીવાના પાણી માટે પણ કોઈ વ્યવસ્થા નથી. ટોકન કયા સમયે મળશે એ બાબતે પણ જણાવાયું નથી. આ ઉપરાંત દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો માટે પણ કોઈ જાતની અલગથી વ્યવસ્થા કરવામાં આવી નથી. ટોકન બાબતે સિનિયર સિટીઝનો અને દિવ્યાંગોને અવારનવાર ધક્કા ખાવા પડે છે પરંતુ તેમની કામગીરીનો અંત આવતો નથી. લાંબી લાઈનમાં ઊભા રહ્યા બાદ ટોકન માત્ર સવારે જ અપાતા હોવા બાબતે જાણ થાય છે. આમ દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરીને અવારનવાર ધક્કા ખાવા પડે છે. જોકે નિયત સસ્તા અનાજની દુકાનેથી પણ અરજદારોની સગવડ માટે વ્યવસ્થા કરાઈ છે પરંતુ સસ્તા અનાજની દુકાનો જ નહીં ખુલતી હોવાના આક્ષેપો પણ દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોએ કર્યા છે.