વાલક ખાડીના ગેટ માંથી ગંદુ પાણી સરથાણા વોટર વર્કસ નજીક આવતા પાણીની ગુણવત્તા ઘટી

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
વાલક ખાડીના ગેટ માંથી ગંદુ પાણી સરથાણા વોટર વર્કસ નજીક આવતા પાણીની ગુણવત્તા ઘટી 1 - image


Image Source: Freepik

- સૌથી વધુ પાણી પુરુ પાડતા સરથાણા વોટર વર્કસ ખોટકાતા પાણીની બુમ પડી

- ઋતુ સંધિ ના કારણે પાણીની ઘનતા વધી, ગંદુ પાણી આવતા રો વોટરની ગુણવત્તા બગડી - પાલિકાએ સિંચાઈ વિભાગ સાથે વાટાઘાટ કરતા 1100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

સુરત, તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર

સુરત શહેરમાં નવરાત્રી શરૂ થતાંની સાથે પાણીની બુમ ઉઠી છે તાપી નદીના રો વોટરની ગુણવત્તામાં ઘટાડો થવા સાથે સૌથી વધુ પાણી આપતાં સરથાણા વોટર વર્કસ માં કેટલાક ઈસ્યુ આવતા છેલ્લા બે દિવસથી શહેરના કેટલાક વિસ્તારમાં પાણીની બુમ પડી રહી છે. હાલમાં ઋતુ સંધિ ના કારણે પાણીની ઘનતા માં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ વાલક ખાડીનો ગેટ ખુલી જતાં સરથાણા વોટર વર્કસના પ્રોડક્શન પર અસર પડી છે તેના કારણે શહેરમાં પાણી પુરવઠાની અછતની બુમ પડી રહી છે. જેના કારણે પાલિકાએ સિંચાઈ વિભાગને જાણ કરતાં ઉકાઈ ડેમમાંથી 1100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે આગામી દિવસોમાં સ્થિતિ ઠાળે પડે તેવી શક્યતા છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકોને 1600 એમ.એલ.ડી. પાણી આપવામાં આવી રહ્યું છે. જોકે, હાલમાં નવરાત્રી શરૂ થઈ છે તેની સાથે સાથે અઠવા ઝોન સહિત અનેક વિસ્તારોમાં પાણી પુરવઠાની અછતની ફરિયાદ બહાર આવી રહી છે. અઠવા ઝોનમાં આવેલા ન્યુ સીટી લાઈટ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી માંડ અડધો કલાક પાણી મળે છે તેવી વ્યાપક ફરિયાદ મળી રહી છે. 

પાલિકાના પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત પાલિકાના વોટર વર્કસમાં સૌથી વધુ પ્રોડક્શન સરથાણા વોટર વર્કસ થી થાય છે. પરંતુ હાલમાં ગરમી અને ઠંડી બે ઋતુ છે અને આ ઋતુ સંધીના કારણે પાણીની ઘનતા માં વધારો થાય છે તેના કારણે થોડી અસર પડી રહી છે. તેની સાથે સાથે આ વોટર વર્કસ નજીક ગંદુ પાણી વધુ માત્રામાં આવતા રો વોટરની ગુણવત્તામાં વધારો થયેલો જોવા મળ્યો છે તેના કારણે પ્રોડક્શન પર અસર પડી છે અને તેના કારણે કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો ઓછા દબાણે અને ઓછી માત્રામાં મળ્યો છે. પાલિકા તંત્રએ તપાસ કરતા સરથાણા વોટર વર્કસ નજીક વાલક ખાડી આવી છે જેમાંથી ગંદા પાણીનું વહન થાય છે તે ખાડીનો એક ગેટ દોઢેક દિવસ પહેલા ખુલી ગયો હતો તેથી આ પાણી વોટર વર્કસ પર ભેગુ થતું હતું અને તેના કારણે રો વોટરની ગુણવત્તા બગડી છે.

પાલિકાએ તાત્કાલિક વાલક ખાડી નો ગેટ બંધ કરવા સાથે સાથે સિંચાઈ વિભાગ સાથે વાટાઘાટ કરીને પાણી છોડવા જણાવ્યું છે અને ઉકાઈ ડેમમાંથી હાલ 1100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના કારણે આગામી એકાદ બે દિવસમા શહેરની પાણીની સ્થિતિ સામાન્ય થઈ જશે તેવી શક્યતા છે.


Google NewsGoogle News