કાંઠા શુગરના ડિરેકટરો આગળ આવ્યાઃ પ્રમુખ, ઉપપ્રમુખ, એમ.ડી.ને જવાબદાર ગણાવ્યા
- ત્રણ ડિરેકટરોએ આક્ષેપો સાથેની ફરિયાદ જિલ્લા રજિસ્ટ્રારને સુપ્રત કરી : વિવાદ ગાંધીનગર વડી કચેરી સુધી પહોંચ્યો
સુરત
કાંઠા શુગર મિલના પ્રમુખના વિવાદમાં ત્રણ ડીરેકટરો આગળ આવ્યા છે. મંડળીમાં આજદિન સુધી લેવાયેલા તમામ નિર્ણયો અન્વયે પ્રમુખ, ઉપપ્રમુખ અને એમ.ડી સંર્પુણ જવાબદાર હોવાના આક્ષેપ સાથે જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ કરાઇ છે. આ સાથે જ વિવાદ છેક ગાંધીનગર સુધી પહોંચતા આગામી દિવસોમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
કાંઠા શુગર મિલના ત્રણ ડીરેકટરો સતીશ માસ્ટર, કાંતિ પટેલ અને મનહર પટેલે જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરી હતી કે મંડળીના કોઇ પણ વહીવટ કે અન્ય નિર્ણયો પ્રમુખ, ઉપપ્રમુખ અને એમ.ડી. ખેતીવાડી અધિકારી દ્વારા અગાઉ થી જ નક્કી કરી મંજુરી માટે બોર્ડ મીટીંગમાં મુકવામાં આવતા હતા. બોર્ડમાં ડીરેકટરો દ્વારા કોઇ પણ વિરોધ કરવા છતા પ્રોસીંડીગમાં લીધા વિના જ ઠરાવો કરવામાં આવતા હતા. અને વિરોધના મુદ્વાઓની કોઇ દરકાર લીધેલ નથી. શેરડીની ખરીદી. મજુરની ભરતી જેવી બાબતોમાં કોઇ પણ પ્રકારની બોર્ડની સંમતિ વિના ચારેય મનસ્વી નિર્ણયો કરતા હતા. ખાંડ મોલાસીસ, બગાસ વેચાણ જેવા આર્થિક વહીવટ પણ કોઇ પણ પ્રકારની બોર્ડ સંમતિ વિના નિર્ણયો થતા હતા. આ ઉપરાંત અલગ અલગ આઠ મુદ્રે ફરિયાદો કરીને મંડળીમાં જેટલા પણ નિર્ણયો લેવાયા છે. તે તમામ નિર્ણયો માટે અઆ તમામ હોદેદારોઅને અધિકારી જવાબદાર હોઇ મંડળીના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી હતી.
દરમ્યાન કાંઠા શુગર મિલનો વિવાદ છેક ગાંધીનગર વડી કચેરી સુધી પહોંચતા ત્યાંથી પણ આ બાબતને ગંભીરતાથી લઇને આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય કરવાની તજવીજ હાથ ધરી હોવાનું સુત્રો જણાવે છે. આથી આગામી દિવસોમાં કાંઠા શુગરને લઇને કોઇ નવાજૂની થાય તો નવાઇ નહીં ?
કાંઠા શુગરની ઝોન સમિતિને લઇને પણ ઉઠેલી ફરિયાદો
ખેડુતો
તેમજ ડીરેકટરો આક્રોશ સાથે જણાવે છે કે કાંઠા શુગરમાં ઝોન સમિતિ પણ મહત્વનો ભાગ
ભજવતી હતી. જેમાં અમુક વ્યવહારો ઝોન સમિતિ દ્વારા થતા હતા. આથી ઝોન સમિતિ સામે પણ
તપાસ થાય તો અનેક કોઠાકબાડા બહાર આવી શકે તેમ છે.