ગુજરાતમાં લોકસભાની 23 બેઠકોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર, જાણો કોણ કોની સામે ચૂંટણી લડશે
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 23 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા યોજાવાની છે. એકમાત્ર ભરૂચ બેઠક પર ભારત આદિવાસી સેનાના ઉમેદવાર દિલીપ છોટુ વસાવા મેદાનમાં હોવાથી ત્રિકોણિય જંગ થવાની સંભાવના દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપના 26, કોંગ્રેસના 23 અને આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો મેદાનમાં છે.
રાજ્યમાં 25 બેઠકો માટે મતાદન થશે
ગુજરાતમાં સાતમી મેએ મતદાન થવાનું છે પરંતુ તે પહેલાં કોંગ્રેસના સત્તાવાર તેમજ ડમી ઉમેદવાર ફોર્મ રિજેક્ટ થતાં અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતાં સુરત લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે તેથી આ બેઠક પર મતદાન થવાનું નહીં હોવાથી રાજ્યમાં 25 બેઠકો માટે મતદાન થશે.
રાજ્યમાં લોકસભાની સાથે વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં પણ સીધી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના પક્ષપલ્ટુ એવા અર્જુન મોઢવાડિયા પોરબંદર અને સીજે ચાવડા વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. વાઘોડિયા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસની તરફેણમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતાં આ બેઠક પર પણ સીધી ટક્કર બન્ને મુખ્ય પાર્ટીઓ વચ્ચે છે.