અમરેલી લેટરકાંડ મુદ્દે મોટા સમાચાર, દિલીપ સંઘાણીએ CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો, જાણો શું કરી માંગ
Amreli letterkand: અમરેલી લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં અમરેલી લેટરકાંડની તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરાવવામાં આવે તેવી આ પત્રમાં માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પત્રમાં તેમણે કહ્યું છે કે, સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું, તેમજ આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ.
સમગ્ર મામલે હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું: સંઘાણી
દિલીપ સંઘાણીએ કહ્યું કે, 'મારું અને ભાજપના અન્ય નેતાઓનું નામ લેવા આરોપીઓને દબાણ કરાયું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અથવા રાજકીય આગેવાનો દ્વારા આ પ્રવૃત્તિ કરાયાની આશંકા છે. સમગ્ર બાબતે હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું.'
દિલીપ સંઘાણીએ CMને પત્ર લખી કરી આ માંગ
સંઘાણીએ કહ્યું કે, 'આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ. જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.'
આ પણ વાંચો : જ્વેલર્સ શોરૂમ પર ખરીદીના નામે નકલી દાગીના મૂકી અસલી ચોરી લેતી મહિલા પકડાઈ
આ ઉપરાંત સત્યતા બહાર લાવવા માટે તેમણે કહ્યું 'સરકાર પોલીસની ગેરકાયદેસર મહિલાની રાત્રે કરેલ ધરપકડ છાવરે છે, તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહે છે, તે હકીકતની લોકોને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતાં આ કેસની તપાસ હાઇકોર્ટના સીટિંગ અથવા નિવૃત્ત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.'