Get The App

જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગનગરના રસ્તાઓની બિસ્માર હાલત

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગનગરના રસ્તાઓની બિસ્માર હાલત 1 - image


જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં રસ્તાઓની બિસ્માર હાલતને કારણે ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી રસ્તાઓની સમારકામની બાબતમાં કોઈ પગલાં લેવામાં ન આવતા ઉદ્યોગકારો તોબા પોકારી ઉઠ્યા છે. બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગનગરના એસોસિએશન દ્વારા આ બાબતે કોઈ જ પ્રયાસ કરવામાં આવતો ન હોવાનું ઉદ્યોગકારોનું કહેવું છે. એસોસિએશન માત્ર પોતાની સિદ્ધિઓનો જ દંભ કરે છે અને ઉદ્યોગકારોની મુશ્કેલીઓ તરફ ધ્યાન આપતું નથી.

આ સમગ્ર મામલે ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, શંકર ટેકરી ઉદ્યોગ નગર જામનગરનું મહત્વનું ઉદ્યોગિક કેન્દ્ર છે. અહીં અનેક પ્રકારના ઉદ્યોગો ચાલે છે અને હજારો લોકોને રોજગારી મળે છે. પરંતુ રસ્તાઓની ખરાબ હાલતને કારણે ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે અને પરિવહન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. વાહનોને નુકસાન થવાની સાથે સાથે કામદારોને પણ અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. 

આગામી દિવસોમાં જામનગરમાં યોજાનાર વર્લ્ડ એક્સપોને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ તાત્કાલિક ધોરણે રસ્તાઓની સમારકામ કરવાની માંગ કરી છે. જો રસ્તાઓની હાલત સુધરશે નહીં તો વિદેશી મહેમાનો ઉદ્યોગ નગરની ખરાબ હાલત જોઈને ખૂબ જ નિરાશ થશે, અને ભારતના વિકાસના દાવાઓ પર પ્રશ્નાર્થ ઊભું થશે. 

ઉદ્યોગકારોએ સ્થાનિક તંત્ર, જીઆઇડીસી અને સરકારને રજૂઆત કરી છે કે, તાત્કાલિક ધોરણે રસ્તાઓની સમારકામ કરવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો ઉદ્યોગકારો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.


Google NewsGoogle News