નડિયાદ મનપાના જર્જરિત બિલ્ડિંગની રૂા. 2.25 કરોડના ખર્ચે કાયાપલટ થશે
- આકૃતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટેન્ડરથી કામ સોંપાયું
- ચણતર, છતના ભાગ સહિત ઈમારતના માળખામાં ફેરફાર કરાશે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી મજબૂત કરાશે
નડિયાદ મનપાનું હાલનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત બની ગયું છે. બહારના ભાગે છતના પોપડા પડે છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પણ નબળી પડી છે. બિલ્ડિંગનો આંતરિક ભાગ જોઈએ તો તિરાડો પડવાની સાથે અંદર અનેક સ્થાને છતો તૂટેલી દેખાયા છે. દાદર ચઢતા જે સિલિંગની કામગીરી છે, તેમાં પણ ખામી દેખાય છે. ત્યારે હવે મનપા પ્રશાસન દ્વારા સવા બે કરોડ રૂપિયાના ખર્ચે બિલ્ડિંગના સમારકામ કરવા માટે આકૃતિ ઈન્ફ્રાસ્ટક્ચરને ટેન્ડર ફાળવ્યું છે. રાજ્ય સરકારે મનપાને પ્રથમ તબક્કામાં આપેલા ૨૦ કરોડની ગ્રાંટમાંથી આ કામગીરી શરૂ કરાઈ છે.
આ કોન્ટ્રાક્ટ હેઠળ હવે મનપાની બિલ્ડિંગના તમામ ચણતર અને સિલિંગના ભાગ સહિત આખા માળખામાં ફેરફાર કરાશે. ઓફિસની અંદરના ચણતર અને સિલિંગની કામગીરી રિકોક્રેટિંગ કરવાની સાથે બહારના ભાગે પણ પોપડા પડવાથી માંડી તમામ સ્થાનોની સ્ટેબિલિટી મજબૂત થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે. હાલ બિલ્ડિંગનું સમારકામ શરૂ કરી દેવાયું છે.
ઈન્ટિરીયર ડિઝાઈન, ફર્નિયર માટે પણ સવા બે કરોડ ખર્ચાશે
મનપા બિલ્ડિંગનું સમારકામ કર્યા બાદ ઓફિસો અને અન્ય ફર્નિચર, ઈન્ટિરિયર ડિઝાઈનને લગતી કામગીરી માટે પણ સવા બે કરોડ રૂપિયાના ટેન્ડરિંગની પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરાઈ છે. મનપાના બિલ્ડિંગની આખી સુરત બદલવાનું આયોજન કરાયું છે.