NGT ના હુકમ મુજબ વિશ્વામિત્રીમાં મશીનરી ઉતારી શકાય નહી તો ઊંડી-પહોળી કરવામાં મુશ્કેલી સર્જાશે
Vadodara Vishwamitri River : વડોદરા શહેરમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ત્રણ વખત પૂર આવ્યા બાદ લોકો અને વેપારીઓને થયેલા લાખ્ખો -કરોડોના નુકસાન પછી રહી રહીને તંત્ર જાગ્યું છે. ગેરકાયદે બાંધકામો દૂર કરી વડોદરામાં ફરી પૂર આવે નહીં તેને ધ્યાનમાં રાખી વિશ્વામિત્રી નદીને ગટર ગંગામાંથી પવિત્ર ગંગા બનાવવા અંગે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી વડોદરાની ગંગા સમગ્ર આયામ સંસ્થાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ અરવિંદ સિંધા દ્વારા કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે કોર્પોરેશનના કમિશનર, કલેકટર, વુડા, ગુજરાત સરકારને આ સંસ્થાના અગ્રણીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો મેળવી યોગ્ય તે કાર્યવાહી કરવા સૂચના આપી લોકહિતની અરજી સ્વીકારી ન હતી. હાઇકોર્ટની સૂચના આધારે ગંગા સમગ્ર આયામ સંસ્થાએ મ્યુનિ.કમિશનરને વિશ્વામિત્રીના શુધ્ધિકરણ અને પૂર રોકવા 23 મુદ્દાનો અમલ કરવા સૂચનો કર્યા છે.
ઓગસ્ટ 24 પછી વડોદરામાં આવેલા વરસાદી પૂર બાબતે ગંગા સમગ્ર આયામ સંસ્થા દ્વારા 28/11/24 નાં દિવસે જનહિતમાં વિશ્વામિત્રી નદીના ગેરકાયદેસર દબાણો દૂર કરી વિશ્વામિત્રી નદીને પવિત્ર ગંગા નદી બનાવી હવે પછી વડોદરામાં પૂર આવે નહી તે સંદર્ભે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા તા.12/12/24 ના દિવસે શરતી હુકમ કરી પાલિકા, કલેકટર, વુડા, તેમજ ગુજરાત સરકારને હુકમ કરી જણાવ્યું છે કે અરજદારના સૂચનો, રજૂઆતો ધ્યાનમાં લઈ પ્રાધાન્ય આપી (વરસાદી પૂર ન આવે તેવી) કાર્યવાહી કરવી તેવી સૂચના આપી હતી. જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે આપેલી સૂચનાને ધ્યાનમાં રાખી સંસ્થાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ દ્વારા 23 મુદ્દા કોર્પોરેશન, કલેકટર, વુડાને રજૂ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે વિશ્વામિત્રી નદીની 1980માં ઊંડાઇ અને પહોળાઇ હાલ વર્ષ 2024માં પરિસ્થિતિ, ગ્રીનઝોન, પ્રતિબંધિત ઝોન હટાવી બાંધકામની આપેલી પરવાનગીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યા છે.
નદી કિનારે સંખ્યાબંધ ગેરકાયદે બંગલા એપાર્ટમેન્ટ બંધાયા છે...!
વિશ્વામિત્રી નદી કિનારે હોટલો, એપાર્ટમેન્ટ, બંગલા બંધાયેલા છે. હાલમાં વડસર, કલાલી વિસ્તારમાં માટી પૂરાણ કરી નદીનો પટ સાંકડો કરી દેવામાં આવ્યો છે. વિશ્વામિત્રી નદીમાં સફાઇ માટે જેસીબી નહી ઉતારવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલએ હુકમ કર્યો છે ત્યારે નદીની ઊંડાઈ અને પહોળાઇ વધારવા અંગે યોગ્ય વિચારણા જરૂરી છે. વડોદરાના વરસાદી કાંસો પર દબાણો થઇ ગયા છે. વરસાદી ગટર પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે .તેમ છતાં કોઇ નિકાલ થતો નથી. સપ્ટેમ્બરમાં આજવામાંથી પાણી છોડવામાં આવ્યુ તેને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. તે ફરી થાય નહી તે માટે નવલાવાલાની અધ્યક્ષતામાં સરકારે કમિટીની રચના કરી છે તેમાં જરૂરી સૂચનોનો સમાવેશ કરવા અપીલ કરી છે.