હુસેન સુન્નીની કાસમઆલા ગેંગની પ્રોપર્ટીની વિગતો એકત્રિત કરાશે
વડોદરાઃ હુસેન સુન્નીની કાસમઆલા ગેંગ પકડાયા બાદ તેની સામે તપાસનો ધમધમાટ શરૃ કરી દેવામાં આવ્યો છે.૯માંથી ૫ આરોપી પકડાઇ ગયા બાદ બાકીના બાકીના આરોપીઓની ધરપકડ તેમજ તમામ સાગરીતોની મિલકતોની તપાસની કાર્યવાહી માટે અલગઅલગ ટીમો બનાવવામાં આવી છે.
વડોદરામાં ગુજસીટોક હેઠળ બીજો કેસ નોંધાયો છે.અસલમ બોડીયાની બિચ્છુ ગેંગ બાદ શહેર પોલીસે કારેલીબાગ ભૂતડીઝાંપા વિસ્તારમાં ખંડણી,ધમકી તેમજ હુમલા કરી ધાક જમાવનાર નામચીન હુસેન સુન્નીની કાસમઆલા ગેંગના ૯ સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી પાંચ જણાની ધરપકડ કરી છે.
બાકીના ચાર આરોપીઓમાં સૂત્રધાર હુસેન સુન્ની,તેનો ભાઇ અકબર અને મો.અલીમ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ હેઠળ હોવાથી તેના રિમાન્ડ પુરા થતાં ધરપકડ કરવાની કાર્યવાહી કરાશે.આ ઉપરાંત હુસેનનો ભાઇ સિકંદર જેલમાં હોવાથી તેની પણ આ ગુનામાં ધરપકડ કરી પૂછપરછ કરાશે.ક્રાઇમ બ્રાન્ચના એસીપી એચ એ રાઠોડને તપાસ સોંપાતા તેમણે જુદીજુદી ટીમોને કામગીરી સોંપી છે.પોલીસ દ્વારા સરકારી વિભાગો પાસે આરોપીઓની મિલકતોની વિગતો માંગવામાં આવનાર છે.જ્યારે,બેન્ક ખાતા,મોબાઇલની કોલ્સ ડીટેલ તેમજ અન્ય માહિતી એકત્રિત કરવામાં આવનાર છે.
હુસેન સુન્ની સામે કારેલીબાગના ખંડણીના ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ
કાસમઆલા ગેંગના સૂત્રધાર હુસેન સુન્ની પોલીસ કસ્ટડીમાં તાયફા કરતો હોવાના બનાવો બન્યા હોવાથી તેને સુરક્ષિત સ્થળે રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
હુસેન સુન્ની,તેના ભાઇ અકબર અને મો.અલીમ નામના સાગરીત સામે તાજેતરમાં જ જાકીર નામના યુવકે એક લાખની ખંડણી માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદ અંગે પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડી રિમાન્ડ પર લીધા છે.હુસેનનો ભૂતકાળ જોતાં તે પોલીસ કસ્ટડી દરમિયાન તાયફા કરતો હોવાના બનાવ અગાઉ બન્યા હોવાથી હુસેન સામેની ખંડણીના ગુનાની તપાસ કારેલીબાગમાંથી ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને ત્રણેય આરોપીની સુરક્ષા વધારી ક્રાઇમ બ્રાન્ચમાં રાખવામાં આવ્યા છે.